
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજના જય સરસ્વતી સખી મંડળે અનેક પ્રકારના અથાણાં બનાવીને વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી , અને ‘લખપતિ દીદી’નું ગૌરવપૂર્ણ બિરુદ પ્રાપ્ત કર્યું
ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા નાનકડા ગામ શિવરાજપુરા કંપામાં એક એવું સખી મંડળ છે જેણે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જય સરસ્વતી સખી મંડળની અર્પિતા બેન પટેલ જણાવે છે કે આ સખી મંડળમાં દસ બહેનો જોડાયેલી છીએ અમે પોતાની મહેનત અને એકતાથી પોતાનું જીવન બદલાયુ છે આમારું મંડળ અનેક પ્રકારના અથાણાં બનાવીને વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી છે અને ‘લખપતિ દીદી’નું ગૌરવપૂર્ણ બિરુદ પ્રાપ્ત કર્યું છે.‘
આ સફળતાની શરૂઆત ગુજરાત સરકારની ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી થઈ હતી. અરવલ્લી જિલ્લો મુખ્યત્વે આદિવાસી વસ્તીવાળો વિસ્તાર છે, જ્યાં મહિલાઓને આર્થિક સ્વાવલંબનની તકો મર્યાદિત હતી. ગ્રામ વિકાસ એજન્સીએ સખી મંડળોની રચના કરીને મહિલાઓને એકત્ર કર્યા અને તેમને તાલીમ, ધિરાણ અને બજાર સુધીની પહોંચ પૂરી પાડી. જય સરસ્વતી સખી મંડળની બહેનોએ આ તકને ઝડપી લીધી અને પરંપરાગત અથાણાં બનાવવાનું કામ શરૂ કર્યું. કેરી, લીંબુ, મરચા, આમલી સહિત અનેક પ્રકારના સ્વાદિષ્ટ અને ગુણવત્તાયુક્ત અથાણાં તૈયાર કરીને તેમણે સ્થાનિક બજારથી લઈને દૂરના વિસ્તારો સુધી પોતાની પેદાશો પહોંચાડી.
આ મંડળની બહેનોની મહેનતનું પરિણામ એ આવ્યું કે વાર્ષિક આવક લાખો રૂપિયામાં પહોંચી ગઈ. કેન્દ્ર સરકારની ‘લખપતિ દીદી’ યોજના હેઠળ તેમને આ બિરુદ મળ્યું, જે મહિલાઓને વાર્ષિક એક લાખથી વધુ આવક મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ સફળતા આર્થિક અને સામાજિક છે. આ બહેનો હવે પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે, બાળકોને સારું શિક્ષણ આપે છે અને ગામમાં આત્મવિશ્વાસનું પ્રતીક બની છે.અરવલ્લી જિલ્લામાં જય સરસ્વતી સખી મંડળ જેવા અનેક સખી મંડળો આજે ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. આ મંડળો મહિલાઓને રોજગાર સાથે તેમને નેતૃત્વ, વ્યવસ્થાપન અને ઉદ્યોગસાહસિકતાની તાલીમ પણ આપે છે. પરિણામે, જિલ્લાની અનેક મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે મજબૂત બની છે.મહિલાઓને તક મળે અને સરકારી યોજનાઓનો સાચો લાભ મળે, ત્યારે તે કેવી રીતે પોતાનું અને સમાજનું ભાગ્ય બદલી શકે છે.




