ગોધરાના પરવડી ખાતે આવેલ બે દુકાનોની જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઇ
આકસ્મિક તપાસમાં તુવેરદાળ અને ડાંગરનો અંદાજે રૂપિયા ૬૫ લાખનો બિન હિસાબી જથ્થો સીઝ કરાયો
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં ખરીદ-વેચાણના જરૂરી રજીસ્ટરો ન નિભાવતા તથા ભારત સરકારના પોર્ટલ પર સ્ટોકની વિગતો ન દર્શાવતા અનાજના વેપારીઓ, મિલ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પુરવઠા તંત્ર કટિબદ્ધ છે. જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ દ્વારા ગોધરાના પરવડી મૂકામ ખાતે આવેલ શ્રી યમુના પ્રોટીન મિલ પ્રા.લીમીટેડ તથા શ્રી યમુના અક્ષત પ્રા.લીમીટેડની આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમ્યાન જરૂરી રજીસ્ટરો ન નિભાવવા, ભારત સરકારના પોર્ટલ પર જથ્થાની વિગતો ન જાહેર કરવી જેવી ગેરરીતિઓ તેમજ શ્રી યમુના પ્રોટીન મિલ પ્રા. લીમીટેડમાં તુવેરદાળના અંદાજે રૂપિયા ૪૧,૮૧,૧૦૦/- ની બજાર કિંમતના ૭૭૦ કટ્ટા અને શ્રી યમુના અક્ષત પ્રા. લીમીટેડમાં અંદાજે રૂપિયા ૨૩,૨૨,૦૦૦/- ની બજાર કિંમતના ૧૯૩૫ કટ્ટાનો બિન હિસાબી જથ્થો મળી આવતા બન્ને સ્થળે જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. શ્રી યમુના પ્રોટીન મિલ પ્રા. લીમીટેડના સંચાલકશ્રી હેમલ શાહ તથા શ્રી યમુના અક્ષત પ્રા. લીમીટેડના સંચાલકશ્રી કલ્પિત શાહને બિન અધિકૃત સંગ્રહખોરી અર્થે નોટીસ પાઠવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનુ જિલ્લા પુરવઠા અધિકારીની એક યાદીમાં જણાવાયુ છે.