શહેરાના પાલીખંડા હાઈવે પર સ્થિત પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો ભવ્ય મેળો યોજાયો

પંચમહાલ શહેરા
રાગીનીબેન દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા નજીક પાલીખંડા હાઈવે પર આવેલ પૌરાણિક અને અતિ પ્રાચીન એવા સ્વયંભૂ મરડેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વની શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શિવ ભક્તોનું મહેરામણ ઉમટી પડતા સમગ્ર વિસ્તાર “બમ બમ ભોળે” ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. આ પવિત્ર અવસરે મંદિરે વિશેષ પૂજા-અર્ચના, રુદ્રાભિષેક અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મરડેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ અત્યંત રોચક અને શ્રદ્ધાથી ભરપૂર છે. આ મંદિરનું ૮ ફૂટ ઊંચાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતું વિશાળ શિવલિંગ મરડિયા પથ્થરમાંથી બનેલું હોવાથી તેને ‘મરડેશ્વર’ તરીકે ઓળખવામાં આવે છે. લોકવાયકા અને સ્થાનિક માન્યતા મુજબ, આ શિવલિંગ સ્વયંભૂ છે અને મહાશિવરાત્રીની રાત્રે તે ચોખાના દાણા જેટલું વધે છે. એવી પણ માન્યતા છે કે આ શિવલિંગ હાલમાં કળિયુગના ભાગ (ખંડ) માં વિકસિત થઈ રહ્યું છે અને જ્યારે તેનો વિકાસ પૂર્ણ થઈ મંદિરની છત સુધી પહોંચશે ત્યારે સતયુગનો પ્રારંભ થશે. વધુમાં, આ સ્વયંભૂ શિવલિંગમાંથી અવિરત સતત ગંગાજળ વહ્યા કરતું હોવાનું પણ મનાય છે.
મહાશિવરાત્રી નિમિત્તે મંદિર પરિસરમાં ભવ્ય મેળો ભરાયો હતો, જેમાં સ્થાનિક વેપારીઓએ વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ લગાવ્યા હતા. શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ પૂર્વક દર્શન કરી મેળાની મોજ માણી હતી. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા, લાઇન વ્યવસ્થા, પાર્કિંગ અને પીવાના પાણીનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું જેથી કોઈ પણ શ્રદ્ધાળુને અસુવિધા ન પડે.







