
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
જિલ્લામાં પોલીસ, ફાયર અને આપત્તિ વ્યવસ્થાપન, પીજીવીસીએલ સહિત એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફની ટુકડીઓ તૈનાત.
જિલ્લા તથા તાલુકા કંટ્રોલરૂમ દ્વારા વરસાદી પરિસ્થિતિ પર રાખવામાં આવતી ચાંપતી નજર.
માંડવી ,તા-૦૮ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં વરસાદી મોસમના ફરી મંડાણ થયા છે. કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લાના નાગરિકોએ નદી, નાળા, તળાવ, ડેમ સાઈટ કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવા સ્થળો ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે અનુરોધ કર્યો છે.કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં જ સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જિલ્લાના લગભગ તમામ નદી, નાળા, તળાવ અને ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. આ સ્થળોએ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈપણ દુર્ઘટના બનવા ન પામે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ તંત્ર દ્વારા જોખમી માર્ગો બંધ કરવા સાથે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર સહિતના પગલા ભરાયા છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે શેલ્ટર હોમ ખાતે તમામ પ્રકારની વ્યવસ્થા સાથે તંત્ર સજ્જ છે.આ બાબતે કચ્છ કલેકટરશ્રી આનંદ પટેલે જિલ્લાવાસીઓ પાસે પણ સહકારની અપેક્ષા સાથે જણાવ્યું હતું કે, ભારે વરસાદના પગલે જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજના હેઠળના ૯ ડેમ ભરાયા છે. જ્યારે નાની સિંચાઇ યોજનાના ડેમમાં પાણીની આવક ચાલુ છે ત્યારે સાવચેતીના ભાગરૂપે ડેમ, નાળા, નદી તથા જળાશયો નજીક ન જવા અને બાળકોનું પણ ધ્યાન રાખી અકસ્માત નિવારવા નાગરિકોએ સર્તક રહેવું. હાલની પરિસ્થિતિ મુજબ શાળાઓ બંધ રાખવામાં આવી છે, તેમજ જોખમી રસ્તાના કારણે ૧૦ બસ રૂટ તથા ૧૮ ટ્રીપ રદ કરવામાં આવી છે. રાપર તાલુકાના માનગઢ ગામના ૨૦ લોકોનું શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે, અત્યારસુધી કોઇ માનવી કે પશુ જાનહાનિ નોંધાઇ નથી. ત્યારે નાગરિકોને રસ્તાઓ તથા કોઝ વે પરથી પાણી પસાર થતું ત્યારે રસ્તો પાર ન કરવા તથા ઉંડા પાણીમાં ન જવા માટે યોગ્ય કાળજી રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.હજુ આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. હાલ સમગ્ર કચ્છમાં વરસાદી માહોલના કારણે સર્જાયેલી સ્થિતિ પર જિલ્લા તથા તાલુકા કંટ્રોલરૂમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તાલુકાથી જિલ્લા સુધી તમામ સ્તરે રાઉન્ડ ધ ક્લોક સંદેશાવ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં ભુજ એન.ડી.આર.એફ.ની એક ટુકડી તથા રાપર ખાતે એસ.ડી.આર.એફની એક ટુકડી મુકવામાં આવી છે, તે કોઈપણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા સતત તૈનાત છે. જિલ્લામાં ફાયર, પોલીસ, પંચાયત, પી.જી.વી.સી.એલ., આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર છે. કોઈપણ બનાવની વિગતો નાગરિકોને મળે તો તેઓ તે વિગતો કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકે છે.જિલ્લામાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોની સહાયતા તેમજ માર્ગદર્શન માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. ક્ચ્છ કલેક્ટરશ્રીની કચેરી ભુજ ખાતે કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમમાં રાહત બચાવ કામગીરી, રોડ રસ્તાઓને અસર, ડેમનું જળસ્તર, વીજ પુરવઠો, સ્થળાંતર સહિતની બાબતોને લઈને નાગરિકોને હિતમાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. તાલુકાકક્ષાએ પણ વિવિધ કંટ્રોલ રૂમ કાર્યરત છે ત્યારે ત્યાંથી આવતી તમામ માહિતીનું સંકલન કરીને હાલની ભારે વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમનું સીધું જ મોનીટરીંગ કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ અને ડિઝાસ્ટર મામલતદારશ્રી સી.આર.નિમાવત દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, વરસાદની પરિસ્થિતિની રિયલ ટાઈમ માહિતી રાજ્યકક્ષાના ગાંધીનગર ખાતે કાર્યરત SEOCને અપડેટ્સ દ્વારા આપવામાં આવી રહી છે. અહીં આવતી નાગરિકોની ફરિયાદોને સંલગ્ન તાલુકાવાઈઝ પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીને નિવારણ અર્થે મોકલવામાં આવી રહી છે. નાગરિકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ આવે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહ્યો છે.નાગરિકો કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ (૦૨૮૩૨-૨૫૦૯૨૩/૨૫૨૩૪૭) અને તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ છે. તાલુકા કંટ્રોલ રૂમમાં નાગરિકોને ભુજ માટે ૦૨૮૩૨-૨૩૦૮૩૨, માંડવી માટે ૦૨૮૩૪-૨૨૨૭૧૧, મુન્દ્રા માટે ૦૨૮૩૮-૨૨૨૧૨૭, અંજાર માટે ૦૨૮૩૬-૨૪૨૫૮૮, ગાંધીધામ માટે ૦૨૮૩૬-૨૫૦૨૭૦, ભચાઉ માટે ૦૨૮૩૭-૨૨૪૦૨૬, રાપર માટે ૦૨૮૩૦-૨૨૦૦૦૧, નખત્રાણા માટે ૦૨૮૩૫-૨૨૨૧૨૪, અબડાસા માટે ૦૨૮૩૧-૨૨૨૧૩૧ અને લખપત માટે ૦૨૮૩૯-૨૩૩૩૪૧ ઉપર સંપર્ક કરી શકાશે.



