ઝઘડિયાના શિયાલી નજીક મોટર સાયકલ ચાલક પર ટ્રક ચઢાવી મોત નિપજાવવા મામલે ત્રણની અટકાયત
અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું : રણજીત વસાવાના ઈશારે ટ્રક ચલાવી ચાલકને મોતને ઘાટ ઉતારતા વોન્ટેડ
ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં બનેલ ટ્રક અકસ્માતની ઘટનાનો ભેદ ભરૂચ પોલસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો છે.આ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાનું ખુલતા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. ગત ૧૩ ઓગસ્ટના રોજ ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના શીયાલી-બાંડાબેડા ત્રણ રસ્તા નજીક ટ્રક નંબર GJ-16-W-9345 એ બેદરકારીપૂર્વક બાઈકને ટક્કર મારી હતી.જેમાં બાઈક સવાર ભોગીલાલ વસાવાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.પ્રાથમિક રીતે અકસ્માત જણાતી આ ઘટનાની તપાસ દરમ્યાન શંકાસ્પદ પાસાં સામે આવતા પોલીસે ગંભીરતા પૂર્વક તપાસ હાથધરી હતી.ભરૂચના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને ઝઘડીયા જીઆઈડીસી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓને શોધી કાઢ્યા છે.
આ ઘટનામાં તપાસ દરમ્યાન ખુલ્યું હતું કે ડ્રાઈવર સુનિલ વસાવાએ વોન્ટેડ આરોપી રણજીત રતિલાલ વસાવા અને અન્ય સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.રણજીત વસાવાના ઈશારે ટ્રક ચલાવી ભોગીલાલને ઈરાદાપૂર્વક ચઢાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.આ ઉપરાંત આરોપીઓ દિલીપ વસાવા ઉર્ફે ડી.જે અને નિપુલ વસાવાએ ઘટના સંબંધિત સીસીટીવી ફૂટેજ ડિલીટ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપીને ગુનાહિત કાવતરાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ લોકોને ઝડપી પાડી સમગ્ર હત્યાનું કાવતરું રચનાર સરપંચ પતિ રતિલાલને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ હત્યા કરવાનું કારણ પોલીસના અનુસાર આરોપી રણજીત વસાવાની પત્ની શીયાલી ગ્રામ પંચાયતની સરપંચ છે અને મૃતક ભોગીલાલ વસાવા પૂર્વ સરપંચ હતા જેથી તેઓ તેમના વિરોધી હતા.તેમની વચ્ચે રાજકીય અદાવત પહેલાથી જ હતી.બંને વચ્ચે અનેક વખતે બોલાચાલીઓ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.જેથી આ કિન્નાખોરીને કારણે ભોગીલાલની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.