
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દંડકારણ્ય વન તરીકે ખ્યાતિ પામેલા ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં આંબાપાડા ગામે પૂજ્ય યશોદા દીદીના મધુર કંઠે ગવાયેલી રામકથાનું રામ નવમીના દીને ભવ્ય સમાપન થયુ.૩૦મી માર્ચથી શરૂ થયેલી આ રામકથામાં આઠ દિવસ સુધી આસપાસના ગામોના હજારો ભાવિકોએ શ્રદ્ધા અને ભક્તિભાવથી કથાનું રસપાન કર્યું.સ્થાનિક ગ્રામજનોના સક્રિય સહયોગથી આયોજિત આ કથાએ સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક અને ધાર્મિક ઉલ્લાસનું વાતાવરણ સર્જ્યું હતું.માતા શબરીની પાવન ભૂમિ અને ભગવાન શ્રીરામના ચરણસ્પર્શથી પુનિત થયેલી ડાંગની આ ધરા પર પૂજ્ય સાધ્વી યશોદા દીદીએ પોતાની દિવ્ય વાણીથી સંસ્કાર, સંસ્કૃતિ અને સત્સંગનો અનોખો ત્રિવેણી સંગમ રચ્યો હતો. તેમની કથા શૈલી એટલી પ્રભાવશાળી હતી કે દરેક ઉંમરના શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને રામચરિતમાનસના વિવિધ પ્રસંગોમાં ખોવાઈ જતા હતા. પૂજ્ય દીદીએ રામાયણના દરેક પાત્રના મહિમાને સરળ અને હૃદયસ્પર્શી રીતે વર્ણવ્યો, જેનાથી ભાવિકોને જીવનમાં ઉચ્ચ મૂલ્યો અને આદર્શોને આત્મસાત કરવાની પ્રેરણા મળી હતી.
આ રામકથા દરમિયાન આયોજકો દ્વારા દરરોજ મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો. કથાના પ્રારંભથી જ ભાવિકોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો હતો, જે ડાંગના આદિવાસી પરિવારોમાં જોવા મળી રહેલી ધાર્મિક જાગૃતતાનું સ્પષ્ટ ઉદાહરણ હતું. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આ કથાનું શ્રવણ કરવા માટે ઉમટી પડ્યા હતા અને ભક્તિમય વાતાવરણમાં લીન થઈ ગયા હતા.રામકથાના દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રામ નવમીના દિવસે સમગ્ર ગામમાં ભારે ઉત્સાહ અને ધામધૂમથી ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. રામકથાના અંતિમ દિવસે તો આંબાપાડા અને આસપાસના ગામોના અંદાજે ૨૦ હજાર જેટલા લોકોએ કથાનું શ્રવણ કર્યું હતુ.અંતિમ દિવસે પૂજ્ય યશોદા દીદીએ રામકથાના સાર અને તેના જીવનમાં રહેલા મહત્વ વિશે વિસ્તૃત વાત કરી હતી. કથાના સમાપન બાદ ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ભાવિકોએ પ્રેમથી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.રામકથાના છ દિવસ સુધી ગામના લોકોએ જે રીતે એકતા અને સહકારની ભાવના દર્શાવી તે ખરેખર પ્રશંસનીય છે. યુવાનોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ આયોજનને સફળ બનાવવા માટે તન, મન અને ધનથી યોગદાન આપ્યું હતુ.આ રામકથાએ માત્ર ધાર્મિક જાગૃતિ જ નહીં પરંતુ સામાજિક એકતા અને ભાઈચારાની ભાવનાને પણ વધુ મજબૂત બનાવી છે..





