તા.૦૯.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ બેઠક યોજવામાં આવી હતી
પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના હેઠળ દેશના ૧૦૦ જીલ્લાઓ ની પસદગી કરવામાં આવેલ છે જે પૈકી ગુજરાતના ૪ જિલ્લા છે જેમાં દાહોદ જિલ્લાનો પણ સમાવેશ કરેલ છે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના હેઠળ બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ, જિલ્લા ખેતીવાડી અધિકારી પથિક દવે, પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ યોજના અમલીકરણ માટેની જિલ્લા ધન ધાન્ય કૃષિ સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. આ સંદર્ભે કલેક્ટરએ સંબંધિત તમામ અમલીકરણ અધિકારીઓને આ યોજનાનું સુચારું અમલીકરણ કરવા સુચના આપી હતી.પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના હેઠળ મુખ્ય ત્રણ ફેક્ટર પસંદગી પામેલ છે. (૧) ઓછો ઉત્પાદન દર (૨) મધ્યમ પાક ઇન્ટેન્સીટી (૩) સામાન્યથી ઓછા સ્તરની ક્રેડિટ પ્રાપ્ત કરવાની ક્ષમતા જેમાં ગુજરાતના કુલ ૪ (ચાર) જીલ્લાઓ પસંદગી પામેલ છે, જેમાં કચ્છ, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ બેઠક દરમ્યાન જિલ્લા ખેતીવાડી અધિકારી પથિક દવે દ્વારા પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાનો પરિચય આપતાં જણાવ્યું હતું કે, આ યોજનામાં કૃષિ અને કૃષિ સંલગ્ન વિવિધ ૧૧ વિભાગોની કુલ ૩૬ યોજનાઓને લગત કુલ ૭૩ ઈન્ડીકેટરની દર માસે સમીક્ષા કરવામાં આવશે જેમાં જિલ્લાના ખેતીવાડી, બાગાયત, આત્મા, સહકાર, પશુપાલન, નાબાર્ડ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગ્રામીણ વિકાસ અને મત્સ્ય વિભાગની ભૂમિકા મુખ્ય રહેશે. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાની કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ થકી ટકાઉ વિકાસ, પ્રાકૃતિક/જૈવિક ખેતીનું વિસ્તરણ, પાણી અને માટીના સ્વાસ્થ્યનું સંરક્ષણ, વૈજ્ઞાનિક ઢબે ખેતી, ખેડૂતોની આવકમાં વધારો થકી, કૃષિ ઉત્પાદન વધારવુ તેમજ લાંબા ગાળા અને ટૂંકા ગાળાના ધીરાણની ઉપલબ્ધતાઓ માટે સુવિધા કરવી જેવા મહત્વની બાબતો આવરી લેવાનો છે. જે બાબતનો જિલ્લાનો એક્શન પ્લાન સબંધિત વિભાગ ધ્વારા તૈયાર કરી રાજ્ય સરકારના લાઈન વિભાગોને મોકલવામાં આવશે, જેમાં ભૌતિક અને નાણાકીય લક્ષ્યો સમાવિષ્ટ હશે, જેથી તે સંબંધિત યોજનાઓના વાર્ષિક એક્શન પ્લાનમાં સમાવિષ્ટ કરી શકાય. યોજનાના લક્ષ્યાંક ડેશબોર્ડ પર અપલોડ કરવામાં આવશે, જે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા નીતિ આયોગની ભાગીદારીથી કેન્દ્ર સ્તરે તૈયાર કરવામાં આવશે