
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરામાં જૈન પાઠશાળાની મુલાકાતે આવેલા મોવડીઓએ બાળકોને આપ્યો સંસ્કાર અને જ્ઞાનનો સંદેશ: મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવા અનુરોધ
મુંદરા, તા. 14:
મુંદરા ખાતે કાર્યરત ‘શ્રી જીત હીર કનક સૂરીશ્વરજી સાત ચોવીસી જૈન ધાર્મિક પાઠશાળા’ની આજે સંસ્થાના હોદ્દેદારો અને અગ્રણીઓએ ખાસ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મોવડી ભરતભાઈ ત્રેવાડીયા અને વિપુલભાઈ ત્રેવાડીયાએ ઉપસ્થિત રહી બાળકોને સંબોધિત કર્યા હતા. તેમણે બાળકોને નિયમિત પાઠશાળામાં આવવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે ભલે દરરોજની એક જ ગાથા શીખવામાં આવે પરંતુ તે કંઠસ્થ અને દ્રઢ હોવી જોઈએ. આ તકે પંડિતજી મિલનભાઈ સંઘવી અને આનંદભાઈએ બાળકોને વિવિધ જૈન સૂત્રોનું મહત્વ અત્યંત સરળ અને સાદી ભાષામાં સમજાવ્યું હતું. તેમણે બાળકોને મોબાઈલના અતિરેકથી દૂર રહેવા અને જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવાની સલાહ આપી ધાર્મિક સૂત્રોના પઠનથી કેવી રીતે પુણ્યનું ભાથું બાંધી શકાય તેની સચોટ સમજ આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં મુંદરા તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતાએ ઉપસ્થિત આગેવાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન પાઠશાળામાં છેલ્લા ઘણા વર્ષોથી નિઃસ્વાર્થભાવે માનદ સેવા આપી રહેલા ત્રણ બહેનોની સેવાઓને બિરદાવી તેમની વિશેષ અનુમોદના કરવામાં આવી હતી. આ ધાર્મિક અવસરે રિપલભાઈ લોદરીયા (વલસાડ), રોહિતભાઈ મહેતા (માધાપર), અને ભરતભાઈ મહેતા (મુંદરા) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે પાઠશાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રભાવના વિતરણ કરવામાં આવ્યું હતું તેમ મુંદરા તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાએ એક યાદીમાં જણાવ્યું હતું.






વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com





