ગણેશ મહોત્સવ-૨૦૨પ ની ઉજવણીને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
સમગ્ર પંચમહાલ જિલ્લામાં દર વર્ષની જેમ આગામી સપ્ટેમ્બર માસમાં ગણેશ મહોત્સવ-૨૦૨પ ની ઉજવણી થનાર છે. જેમાં ગણપતિજીની મૂર્તિની સ્થાપના તા.૨૭/૦૮/૨૦૨પ ના રોજ કરવામાં આવશે અને જુદી-જુદી તારીખોએ જુદા-જુદા નકકી કરેલ સ્થળોએ વિસર્જન કરવામાં આવશે. આ મહોત્સવ માટે તૈયાર કરવામાં આવતી ગણપતિજીની મૂર્તિઓની બનાવટમાં પ્લાસ્ટર ઓફ પેરીસ (પી.ઓ.પી) તથા કેમીકલયુકત રંગોને ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવી મૂર્તિઓનું વિસર્જન કર્યેથી પાણીમાં આ કેમીકલ યુકત રંગો ભળવાના કારણે પાણી તથા પર્યાવરણને નુકસાન થાય છે તેમજ મૂર્તિઓ પાણીમાં ન ઓગળવાથી ધાર્મિક લાગણી પણ દુભાય છે. જેને ધ્યાને લઈ મૂર્તિઓની બનાવટમાં પ્લાસ્ટર ઓફ પેરીસ (પી.ઓ.પી) તથા ઝેરી રસાયણિક પદાર્થોના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા અને માટીનો ઉપયોગ કરી ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવા/ઉપયોગ કરવા, વિસર્જન સમયે મૂર્તિઓ ટ્રેકટર/ટ્રક/ઉંટગાડી જેવા વાહનોમાં લાવવામાં આવતી હોવાથી વધુ ઉંચાઈવાળી મૂર્તિઓ સી.સી.ટી.વી કેમેરાના પોલને કારણે પસાર થવામાં અગવડ પડતી હોવાથી મૂર્તિઓની ઉચાઈ બેઠક સહિત ૦૯ (નવ) ફુટ કરતાં વધે નહી તે અંગે, પાણી તથા પર્યાવરણમાં થતાં પ્રદષણને અટકાવવા તથા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાના હેતુસર પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.જે.પટેલ એ તેમને મળેલ સત્તાની રૂએ પૂર્વ તૈયારીના ભાગરૂપે સૂચનાઓનું અમલ કરવા/કરાવવા માટે આગામી તા.૦૪/૦૮/૨૦૨૫ સુધીના સમયગાળા માટે કેટલાક કૃત્યો ઉપર આદેશાત્મક હુકમો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામા અનુસાર મૂતિઓની બનાવટમાં ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરીસ (પી.ઓ.પી) કે પ્લાસ્ટિક, થર્મોકોલ વિગેરેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધિત હુકમ કરવામાં આવ્યો છે, જ્યારે કુદરતી રીતે સરળતાથી વિઘટીત થઈ જાય તેવા અને પ્રકૃતિ સાથે સુસંગત પદાર્થો જેમ કે ઘાસ, લાકડા, વાંસ, ચીકણી માટીનો ઉપયોગ કરવા જણાવાયુ છે. તેમજ મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ ઉપર ઝેરી કે ઉતરતી કક્ષાના રસાયણ કે કેમિકલયુક્ત રંગોથી કલર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તે માટે ફુલોના કુદરતી રંગો, સળીયો, કુદરતી ગુંદર વગેરેનો કે જે સરળતાથી પાણીમાં ઓગળી જાય તેવા પદાર્થોનો ઉપયોગ કરવા જણાવાયુ છે.
વધુમાં મૂર્તિ વિર્સજન કરતી વખતે મૂર્તિ પર પહેરાવેલ વસ્ત્રો, શણગાર વગેરે દૂર કર્યા વિના મૂર્તિને વિસર્જીત કરવા પર, સાર્વજનિક મહોત્સવમાં મૂર્તિઓની ઉચાઈ બેઠક સહિત મહત્તમ ૦૯ (નવ) ફુટ કરતાં વધારે રાખવા પર, મૂર્તિકારો જે જગ્યાએ મુર્તિઓ બનાવીને વેચે છે તે જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવા પર, મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી ખંડિત મુર્તિઓને બિનવારસી હાલતમાં છોડવા પર તેમજ મૂર્તિઓની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ વાળી મૂર્તિઓ બનાવી, ખરીદવી કે વેચાણ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
પંચમહાલ જિલ્લા બહારથી આ પ્રકારની બનાવટવાળી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારો/વેપારીઓને પણ આ હુકમો લાગુ પડશે તેમ જાહેરનામામાં વધુમાં જણાવાયુ છે. આ જાહેરનામું હુકમ કર્યા તારીખ તા.૦૫/૦૬/૨૦૨૫ થી બે માસ સુધી અમલમાં રહેશે અને પંચમહાલ જિલ્લાના સમગ્ર મહેસુલી હદ વિસ્તારમાં લાગુ પડશે.
આ જાહેરનામા/હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.