
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા.22 જુલાઈ : કચ્છ જિલ્લામાં શિક્ષણની કથળતી પરિસ્થિતિ અને શિક્ષકોની અછતને લઈને “આપણું કચ્છ” ગ્રુપે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. શાળાઓ શરૂ થયાના એક મહિના બાદ પણ 50% શિક્ષકોની ઘટ યથાવત રહેતા, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. આથી, “આપણું કચ્છ” ના નેજા હેઠળ, તમામ સામાજિક, શૈક્ષણિક અને રાજકીય સંગઠનો એક મંચ પર આવીને સરકાર સમક્ષ કડક રજૂઆત કરશે.”આપણું કચ્છ” દ્વારા મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે:તાત્કાલિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો: હાલમાં ચાલી રહેલી શિક્ષકોની ભરતી પ્રક્રિયાને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવામાં આવે, જેથી કચ્છની શાળાઓમાં શિક્ષકોની તાત્કાલિક જરૂરિયાત સંતોષી શકાય.સ્થાનિક બદલીનો અવસર: ભરતી થયેલા શિક્ષકોને પોતાના જિલ્લામાં બદલી કરવાની તક આપવામાં આવે, જેથી તેમને તેમના વતનમાં સેવા આપવાનો લાભ મળે અને તેમને સ્થિરતા મળી રહે.
કચ્છી ભાષા જાણતા ઉમેદવારોની અગ્રતા: ખાલી રહેલી જગ્યાઓ પર ફક્ત કચ્છી ભાષા જાણતા ઉમેદવારોની જ ભરતી કરવામાં આવે. આ માટે, કોઈ પણ વર્ષના TET/TAT પાસ ઉમેદવારોને અરજી કરવા દેવામાં આવે અને કચ્છી ભાષાના વિદ્વાનોની પેનલ દ્વારા ઇન્ટરવ્યૂ લઈને તેમની ભાષાકીય યોગ્યતા ચકાસવામાં આવે.”આપણું કચ્છ” એ ભારપૂર્વક જણાવ્યું છે કે, કચ્છી ભાષા એ કચ્છની સંસ્કૃતિ અને ઓળખનું પ્રતીક છે. સ્થાનિક ભાષા જાણતા શિક્ષકો જ વિદ્યાર્થીઓને તેમની પોતાની બોલીમાં શિક્ષણ આપી શકે છે અને તેમની સાંસ્કૃતિક સમજને મજબૂત કરી શકે છે.આ સાથે, “આપણું કચ્છ” ગ્રુપે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે કચ્છ એ ભારત દેશને સૌથી વધુ કમાણી કરી આપતો જિલ્લો છે, અને તેના પેટાળમાં સોનાની ખાણો સમા અપાર ભંડોળ છુપાયેલું છે. કચ્છના લોકો આત્મનિર્ભર છે અને પોતાનું ગુજરાન ચલાવવા સક્ષમ છે. જો આ ન્યાયપૂર્ણ માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે અને કચ્છના વિદ્યાર્થીઓના હિતને અવગણવામાં આવશે, તો એ દિવસો દૂર નથી જ્યારે કચ્છીઓ એકજુટ થઈને પોતાના અલગ અસ્તિત્વ માટે પણ વિચારશે.”આપણું કચ્છ” આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, કચ્છ બેરોજગાર યુનિયન, ટેટ/ટાટ પાસ ઉમેદવારોનું યુનિયન, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સંઘ ઉપરાંત ધારાસભ્યો, સંસદસભ્ય અને ભાજપ, કોંગ્રેસ અને આપ પક્ષના સક્રિય કાર્યકરો સહિત તમામ કચ્છવાસીઓને આ મહત્ત્વપૂર્ણ અભિયાનમાં જોડાઈ, પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અવાજ ઉઠાવવા અપીલ કરે છે.
સંપર્ક: તિતિક્ષા પ્રકાશચંદ્ર ઠક્કર,પ્રમુખશ્રી, જલારામ સખી મંડળ,રતાડિયા, તા. મુન્દ્રા – કચ્છ.મોબાઈલ 9426244508,titixa181@gmail.com







