
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ હસ્તકની શામગહાન રેંજમાં આવેલા હુંબાપાડા અને માંળુગા ગામ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી જનજીવનને ભયભીત કરી મૂકનાર એક દીપડો આખરે વન વિભાગ દ્વારા પાંજરે પુરાયો છે. શામગહાન રેંજ વિભાગની ટીમે સફળ કામગીરી કરીને આ દીપડાને પકડતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ડાંગ જિલ્લાની દક્ષિણ વન વિભાગ હસ્તકની શામગહાન રેંજના હુંબાપાડા અને માંળુગા ગામની આસપાસના વિસ્તારમાં છેલ્લા લગભગ ૧૦ દિવસથી આ દીપડાએ ભારે તરખાટ મચાવ્યો હતો. આ દીપડો રાત-દિવસનો ભેદ રાખ્યા વિના ધોળા દિવસે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસીને બકરા અને મરઘા જેવા પાલતુ પશુઓનો શિકાર કરી રહ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકના ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. દીપડાના આતંકથી ત્રસ્ત થઈને ગ્રામજનોએ તાત્કાલિક શામગહાન રેંજના આર.એફ.ઓ. (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) ચિરાગભાઈ માછીને લેખિતમાં અરજી કરીને આ હિંસક દીપડાને વહેલી તકે પકડી પાડવા માટે રજૂઆત કરી હતી.ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લઈને દક્ષિણ ડાંગ વન વિભાગના ડી.સી.એફ. (ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) નિરજકુમારના માર્ગદર્શન હેઠળ શામગહાન રેંજના આર.એફ.ઓ. ચિરાગભાઈ માછી અને તેમની ટીમે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગની ટીમે હુંબાપાડા ગામ સહિત આસપાસના જંગલ વિસ્તારમાં દીપડાને પકડવા માટે વ્યૂહાત્મક રીતે પાંજરાં ગોઠવ્યા હતા.છેલ્લા કેટલાક દિવસોની જહેમત બાદ, ગુરુવારની રાત્રિના અરસામાં ફરી એકવાર શિકારની શોધમાં આવેલો આ દીપડો વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં આબાદ રીતે પુરાઈ ગયો હતો.હાલમાં દીપડો પાંજરે પુરાતાં હુંબાપાડા અને માંળુગા ગામના લોકોએ સખત રાહત અનુભવી છે અને વન વિભાગની કામગીરીની સરાહના કરી છે. શામગહાન રેંજ વિભાગે હવે આ પકડાયેલા દીપડાને સલામત રીતે વાંસદા નેશનલ પાર્કના જંગલમાં છોડવા માટેની જરૂરી તજવીજ હાથ ધરી છે..




