આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા રસ્તા પર રખડતાં ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાઈ

આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા રસ્તા પર રખડતાં ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાઈ
તાહિર મેમણ – આણંદ -26/07/2024- આણંદ શહેરી વિસ્તારમાં વરસાદના સમયે દરમિયાન રોડ પર રખડતી કે રસ્તા વચ્ચે ઉભી રહેતી ગાયો ઢોરનેને લીધે કોઇપણ પ્રકારનો અકસ્માત કે જોખમ ન સર્જાય તેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એસ.કે.ગરવાલની આગેવાનીમાં નગરપાલિકાની ટીમ દ્વારા રસ્તે રખડતી ગાયો પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા જુદાં જુદાં માર્ગો પર રખડતી ગાયોના લીધે અકસ્માત સર્જાવાની સંભાવનાને ટાળવા અને શહેરીજનોને વાહન હંકારતી વખતે પગપાળા ચાલતી વખતે વેઠવી પડતી સમસ્યાઓને દૂર કરવા આણંદ નગરપાલિકાની ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ગાયો પકડવાનું કાર્ય હાથ ધરી વિવિધ વિસ્તારોમાં રસ્તા પર રખડતી ગાયોને પકડવમાં આવી હતી અને ગાયોને પાંજરાપોળમાં મોકલવામાં આવી હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એસ.કે ગરવાલે જણાવ્યું છે.
આ ઉપરાંત શ્રી એસ.કે ગરવાલના જણાવ્યા મુજબ કોઈપણ ઢોર આણંદ નગરપાલિકા વિસ્તારમાં રસ્તા ઉપર રખડતા માલુમ પડશે તો આવા ઢોરને પકડીને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે, જેથી ઢોરના માલિકોએ પોતાના ઢોરને જાહેર રસ્તાઓ ઉપર છુટા ન મુકવા જણાવાયું છે.





