
વાત્સલ્યમ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરાની શેઠ આર.ડી. પ્રાથમિક શાળાના ખેલાડીઓનો રાજ્યકક્ષાએ ઝળક્યા : ખેલ મહાકુંભમાં કુલ ૨૦ મેડલ જીતી શાળાનું નામ રોશન કર્યું
મુંદરા,તા.૨૪: ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત અંબુભાઈ પુરાણી સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં મુંદરાની શેઠ આર. ડી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં આ શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પોતાનું કૌવત બતાવી ૧ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૨૦ મેડલ જીતીને શાળા, ટ્રસ્ટ અને વાલીઓનું ગૌરવ વધાર્યું છે.
આ સ્પર્ધામાં શાળાના સાત તેજસ્વી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૮૦ મીટર વિઘ્ન દોડમાં સેમ નીતિનભાઈ પાતારીયા, આલિયા ઇબ્રાહીમભાઇ જુણેજા અને ભૂમિકા પીરદાનભાઈ ગઢવીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ૪૦૦ મીટર વિઘ્ન દોડમાં વંશિકા જનાર્દનભાઈ અધિકારી તથા ૩૦૦૦ મીટર જલદ ચાલમાં શિવાનીકંવર સુગનસિંહ રાજપુત, પ્રિયાંશી વિનેશગીરી ગોસ્વામી અને નિરાલીબા પ્રદિપસિંહ ઝાલાએ મેદાન માર્યું હતું. આ ઉપરાંત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં શિવમપુરી જીતેન્દ્રપુરી ગોસ્વામીએ બ્રોન્ઝ મેડલ જીતી શાળાની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેર્યું છે.
વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ શાળાના ખેલ શિક્ષક આનંદ દાનાભાઈ ડાભીનું સચોટ માર્ગદર્શન અને સખત મહેનત નિર્ણાયક રહી છે. શાળાના આચાર્ય વાલજીભાઈ જે. મહેશ્વરીએ વિદ્યાર્થીઓને બિરદાવતા જણાવ્યું હતું કે યોગ્ય કોચિંગ અને પ્રોત્સાહનને કારણે જ બાળકો આજે રાજ્ય સ્તરે ચમકી રહ્યા છે. શેઠ આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડાયાલાલભાઈ આહીર તથા મહામંત્રી કિશોરસિંહ પરમારએ વિજેતાઓને અભિનંદન પાઠવતા મહત્વની જાહેરાત કરી હતી કે ભવિષ્યમાં મુંદરાના વધુમાં વધુ બાળકો રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે ટ્રસ્ટ દ્વારા શાળામાં રમતગમતના મેદાન અને અદ્યતન સગવડોમાં વધારો કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સિદ્ધિ બદલ શાળાના સ્ટાફ અને વાલી મંડળમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંદરા વિસ્તારના બાળકો આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે પણ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




