ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ આહીરના વરદ્હસ્તે શહેરા તાલુકા સેવા સદન ખાતે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રનું લોકાર્પણ કરાયું

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
*પંચમહાલ, શુક્રવાર ::* પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમારના માર્ગદર્શન હેઠળ વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે તાલુકા સેવા સદન, શહેરા ખાતે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રનું ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના વરદ્હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપાધ્યક્ષશ્રીએ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર શરૂ થવા બદલ તાલુકા વહિવટી તંત્ર સાથે સંવાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ જન ઔષધી કેન્દ્ર ખાતે ઉપલબ્ધ દવાઓનું નિરિક્ષણ કરી જરૂરી જાણકારી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખાતેથી નાગરિકોને સરળતાથી અને નજીવા દરે દવાઓ મળી રહે છે. ત્યારે તાલુકા સેવા સદન, શહેરા ખાતે ખુલ્લું મુકાયેલ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર એ સેવા સદન ખાતે કાર્યરત કર્મયોગીઓ તથા આસપાસના પ્રજાજનો માટે ખૂબ ઉપયોગી બની રહેશે.







