મલુપુરમાં યોજાનાર “સરહદનો સાદ – નુતન વાવ-થરાદ” કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી–મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ*

*મલુપુરમાં યોજાનાર “સરહદનો સાદ – નુતન વાવ-થરાદ” કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી–મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ*
*વાવ-થરાદમાં પ્રજાસત્તાક દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન*
*૨૫ મી સાંજે મલુપુરમાં “સરહદનો સાદ – નુતન વાવ-થરાદ” ભવ્ય મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ*
*જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા નાગરિકોને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક સહભાગી બનવા અપીલ*
અહેવાલ કલ્પેશ બારોટ
ગુજરાત સરકાર દ્વારા આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પ્રજાસત્તાક દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ઉજવણી નવરચિત વાવ-થરાદ જિલ્લા ખાતે યોજાનાર છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને વિશેષ ભવ્યતા આપવા માટે તા.૨૫મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે મલુપુર ખાતે
“સરહદનો સાદ – નુતન વાવ-થરાદ” શીર્ષક હેઠળ ભવ્ય મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી, રાજ્યકક્ષાના મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર અને મંત્રીશ્રી પ્રવીણ માળી સહિત રાજ્ય સરકારના વરીષ્ઠ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.
આ કાર્યક્રમમાં નૃત્ય, સંગીત અને નાટકના ત્રિવેણી સંગમ દ્વારા નવરચિત વાવ-થરાદ જિલ્લાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને લોકપરંપરાઓને રજૂ કરવામાં આવશે, જે દર્શકો માટે એક યાદગાર અને પ્રેરણાદાયી અનુભવ સાબિત થશે.
આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, અંતર્ગત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, વાવ-થરાદ તેમજ વાવ-થરાદ જિલ્લાના વહીવટી તંત્રના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૨૬મી જાન્યુઆરીના મુખ્ય ધ્વજવંદન સમારોહ દરમિયાન પણ આશરે ૪૦૦ બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ ગૌરવસભર બનાવશે.
આ તમામ કાર્યક્રમોને નિહાળવા માટે વાવ-થરાદ જિલ્લાની જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા નાગરિકોને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.




