ગરીબ લોકોને હેરાન કરીને મોટા મોટા દંડ ફટકારવામાં આવે છે: ચૈતર વસાવા*

ગરીબ લોકોને હેરાન કરીને મોટા મોટા દંડ ફટકારવામાં આવે છે: ચૈતર વસાવા
વીઆઈપી લોકોને કોઈ પણ પરેશાન કરતું નથી, પરંતુ નાના માણસોને હેરાન કરવામાં આવે છે: ચૈતર વસાવા
તાહિર મેમણ – ડેડીયાપાડા – 03/04/2025 – ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે એક ગંભીર મુદ્દા પર રાજપીપળાના પોલીસ અધિક્ષક સમક્ષ ખુલાસો માંગવા માટે પોલીસ અધિક્ષક કચેરી નર્મદા ખાતે પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગુજરાત, મહારાષ્ટ્ર્ર, અને મધ્યપ્રદેશથી દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચલાકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને આ બાબતે આજે દેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા મોટી સંખ્યામાં લોકો સાથે પોલીસ અધિક્ષક કચેરીએ પહોંચ્યા હતા. આ અગાઉ પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકોને રસ્તા વચ્ચે જ રોકવામાં આવ્યા હતા અને આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ધારાસભ્ય ચૈતર વસાવા સાથે પોલીસ દ્વારા ખોટો વર્તાવ પણ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ થોડા સમયમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ અધિક્ષક સાથે મીટીંગ કરી અને માતાજીના દર્શને આવનાર લોકોને તથા વાહન ચાલકોને નર્મદા પોલીસવાળા જે હેરાનગતિ કરવામાં આવે છે તે મુદ્દા પર વાત કરી અને ખુલાસો માંગ્યો સાથે સાથે ખુલ્લેઆમ વેચાતા દારૂના મુદ્દા પર પણ ખુલાસો માંગ્યો. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો એક ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં પણ ઘણી જગ્યાએ ચેકપોસ્ટ બનાવીને લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે. કોઈ વિદ્યાર્થી છે, કોઈ મજૂર છે, કોઈ ખેડૂત છે આવા લોકોને દંડ ફટકારીને હેરાન કરવામાં આવે છે, તેની સામે અમને વાંધો છે. જો કોઈ વ્યક્તિ દારૂ પીને ડ્રાઇવિંગ કરે છે અને તેને દંડ ફટકારવામાં આવે છે તો તેના પર અમને કોઈ વાંધો નથી, પરંતુ અમારું માનવું એમ છે કે સામાન્ય અને નિર્દોષ માણસોને હેરાન પરેશાન કરવામાં આવે નહીં.
અમે દંડનો રિપોર્ટ જોયો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે કરોડો રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવ્યો છે અમારો સવાલ છે કે આ નર્મદા જિલ્લામાં ક્યાં કોઈ લોકો એટલા પૈસાવાળા છે કે આટલો બધો દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. વીઆઈપી લોકો કેવડિયા આવે છે તે લોકોને કોઈ પણ પરેશાન કરતું નથી, પરંતુ નાના માણસોને હેરાન કરવામાં આવે છે. દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર લોકોને જેલમાં પૂરી દેવામાં પણ આવે છે અને તેમની ગાડીને પણ જપ્ત કરી લેવામાં આવે છે, આ ક્યાંનો ન્યાય છે? આ મુદ્દા પર અમે પોલીસ અધિક્ષકનું ધ્યાન દોર્યું છે કે પોલીસની હેરાનગતિને અટકાવવામાં આવે, આ સિવાય રેગ્યુલર દંડની સાથે સાથે પોલીસ તોડબાજી પણ કરે છે તે તરફ પણ અમે પોલીસ અધિક્ષક નું ધ્યાન દોર્યું. અમારે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ચેકપોસ્ટ જોઈતી નથી અમારું માનવું છે કે બોર્ડર પર ચેકપોસ્ટ બનાવો અને બોડી કેમેરા સાથે લોકોને ચેક કરો તો અમને કોઈ વાંધો નથી.




