Rajkot: રાજકોટ ગ્રામ્ય-જિલ્લા કક્ષા યુવા ઉત્સવ તથા બાળપ્રતિભા શોધ-સ્પર્ધા ૨૩-૨૪ સપ્ટેમ્બરે યોજાશે

તા.૧૮/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ-ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-રાજકોટ ગ્રામ્યના ઉપક્રમે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ અને જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૨૩ તથા ૨૪મી સપ્ટેમ્બરના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ તથા બાલભવન, રાજકોટ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાશે.
જિલ્લાકક્ષા યુવા ઉત્સવ માટે તાલુકાકક્ષા યુવા ઉત્સવની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા તેમજ સીધી જિલ્લાકક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધા માટે અગાઉથી અરજી કરવાની પાત્રતા ધરાવતા ૧૫થી ૨૯ વર્ષના સ્પર્ધકો – કલાવૃંદો વચ્ચે કુલ ૨૪ કૃતિ માટે તેમજ જિલ્લાકક્ષા બાળપ્રતિભા શોધસ્પર્ધા માટે સાતથી ૧૩ વર્ષના સ્પર્ધકો માટે ૧૩ કૃતિઓ માટે હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધકો તથા કલાવૃંદો સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.વી. દિહોરાની યાદીમાં જણાવાયું છે.


