Upleta: રાજકોટ ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

તા.૧૨/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
“ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” વિષય હેઠળ ૭૦ કૃતિઓનું નિદર્શન કરાયું
Rajkot,Upleta: રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં મુખ્ય વિષય “ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” અંતર્ગત ખોરાક, આરોગ્ય અને સફાઈ, પરિવહન અને સંચાર, પ્રાકૃતિક ખેતી, ગાણિતિક નમુના અને ગણનાત્મક ચિંતન, આપત્તિ વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપન જેવા પાંચ વિભાગમાં દરેક વિભાગ દીઠ તાલુકા વાઇઝ એક કૃતિ મળી એમ એક વિભાગ દીઠ ૧૪ કૃતિ મળી કુલ પાંચ વિભાગમાં ૭૦ કૃતિઓનું નિદર્શન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ભાયાવદર ગુરુકુળના ૦૭ વિદ્યાર્થીઓ તેમજ ભગવતસિંહજી પ્રાથમિક શાળા, દરબાર ગઢ પ્રાથમિક શાળા, સિંહાર પ્રાથમિક શાળા તથા તાલુકા શાળા ઉપલેટાના પાંચ-પાંચ વિદ્યાર્થીઓએ બાળ સ્વયંસેવકો તરીકે સેવા આપી હતી. કાર્યક્રમના પ્રથમ દિવસે પ્રદર્શનના શુભારંભ સાથે બાળકોના મનોરંજન માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા, જ્યારે બીજા દિવસે સરદાર પટેલ ટાઉનહોલ ઉપલેટા ખાતે પ્રદર્શનનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરેક વિભાગ દીઠ ત્રણ એમ કુલ ૧૫ કૃતિઓ અને તેના વૈજ્ઞાનિકોને ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા તથા અન્ય મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષક અને શાળાને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર અને બાળ સ્વયંસેવકો અને વૈજ્ઞાનિકોને ૨૧થી વધુ વસ્તુઓની શૈક્ષણિક કીટ એનાયત કરવામાં આવી હતી.





