અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
*મેઘરજ ના ગાય વાછરડા ગામના મહિલા ખેડૂતે રાસાયણિક ખેતીને તિલાંજલી આપી પરોપકારી ગણાતી પ્રાકૃતિક ખેતીની રાહ પકડી*
*ભીંડા, ચોળી, ગવાર જેવી શાકભાજીની ખેતીમાં હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે ખેડૂત ગીતાબેન અસારી*
ખેતરમાં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના આડેધડ છંટકાવને કારણે કેન્સર, ડાયાબિટીસ અને હ્રદયરોગ જેવી ગંભીર બિમારીઓ વધી રહી છે. ત્યારે સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ ગણાય રહ્યો છે. આ બાબતને હવે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ખેડૂતો પણ સારી રીતે સમજી રહ્યા છે અને પરંપરાગત રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળી પરોપકારી ગણાતી પ્રાકૃતિક ખેતી કરી પોતાના પરિવારની સાથે અન્ય લોકોના સ્વાસ્થ્ય તેમજ ધરતી માતાના સ્વાસ્થ્યની પણ કાળજી લઈ પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે. મેઘરજ તાલકાના આવા જ એક પ્રગતિશીલ મહિલા ખેડૂત છે કે, જેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળી આર્થિક રીતે સમૃધ્ધ બન્યા છે.
મેઘરજના ગાય વાછરડા ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત ગીતાબેન અસારીએ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત ત્રણ વર્ષ પહેલા કરી હતી. આત્માની તાલીમમાં અમને જીવામૃત, ઘનજીવામૃત, બ્રહ્માસ્ત્ર અને નિમાસ્ત્ર જેવા જરૂરી આયામો વિશે પ્રેકટીકલ માર્ગદર્શન આપી જાતે બનાવતા પણ શીખવાડ્યું હતું જેથી પ્રાકૃતિક ખેતી કરવામાં સરળતા પડી હતી. વધુમાં તેઓ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીમાં મેં આ વર્ષે ભીંડા , ગવાર, ચોળી, મગ, હળદર, રતાળુ, અળવી જેવા ૧૦ જેટલા શાકભાજી અને કઠોળનું વાવેતર કર્યું છે. જેથી ઉત્પાદનની સાથે આવક પણ સારી મળે છે. રાસાયણિક ખેતીની સરખામણીમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન સારૂ મળે છે અને ગુણવત્તા વધુ સારી હોય છે.