GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અને શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે લીલી ઝંડી બતાવીને રાજકોટ-પોરબંદર ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું

તા.14/11/2025

વાત્સલયમ્ સમાચાર

ટ્રેનની મુસાફરીનો લ્હાવો લેતા મહાનુભાવો : મંત્રીઓનું વિવિધ સ્ટેશન પર અભિવાદન

Rajkot: કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્ય મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે લીલી ઝંડી બતાવીને, રાજકોટ-પોરબંદર ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું હતું. આ તકે મહાનુભાવોએ ટ્રેનનું પૂજન કર્યું હતું તેમજ ટ્રેનની મુસાફરીનો લ્હાવો લીધો હતો.

ભારત સરકારના શ્રમ, રોજગાર, યુવા બાબત અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ૧૭૩ વર્ષ પહેલાં ભારતમાં થાણે-મુંબઈ વચ્ચે પહેલી ટ્રેનનો પ્રારંભ થયો હતો. પહેલાં કોયલા, પછી ડીઝલ અને હવે ઇલેક્ટ્રિકથી ટ્રેનો ચાલે છે. પાછલા દશકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના હિતાર્થે દૂરંદેશીભર્યા પગલાં લીધા છે. જેથી, અનેક ક્ષેત્રોની સાથે રેલ્વેમાં પણ સકારાત્મક પરિવર્તન આવ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા બાદ રેલ્વે સ્ટેશનો પરથી ગંદકી દૂર થઈ, ટ્રેનો નિયત કાર્યક્રમ મુજબ સમયસર ચાલવા માંડી, ઓનલાઇન ટીકીટની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આજે દરેક રાજ્યમાં વંદે ભારત ટ્રેન પહોંચી છે. રેલ્વે દેશના લાખો ગામોને જોડતું સરળ અને સસ્તું માધ્યમ છે. રાજકોટ-પોરબંદર ટ્રેનના લીધે ધોરાજી-ઉપલેટા પંથકના લોકોને, ખાસ કરીને રોજગાર મેળવવા રાજકોટ અપડાઉન કરતા નાગરિકોને સરળતા રહેશે તેમજ મોટાભાગની ટ્રેનો રાજકોટ જંકશનથી અન્ય રાજ્યોમાં જતી હોવાથી મુસાફરોને ટ્રેનની ઉપલબ્ધતા સુલભ બનશે.

ગુજરાત સરકારના વન-પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ કહ્યું હતું કે મજબૂત લોકપ્રતિનિધિત્વના કારણે રાજકોટ-પોરબંદર ટ્રેન મળી છે. જેથી, આજે સૌરાષ્ટ્ર માટે ખુશીનો દિવસ છે. વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી પદે શ્રી નરેન્દ્રભાઈ મોદી શોભાયમાન થયા બાદ દેશમાં વિશ્વકક્ષાના અત્યાધુનિક રેલવે પ્લેટફોર્મ બન્યા છે અને સુવિધાસભર ટ્રેનો નિર્માણ પામી રહી છે. બાયોટોયલેટ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, પ્લેટફોર્મ ચોખ્ખાંચણાક બન્યા છે. આમ, વડાપ્રધાન શ્રી દેશને સુચારૂ રીતે ચલાવવાની સાથેસાથે દેશમાં આવશ્યક પરિવર્તન લાવવાનું કાર્ય પણ કરી રહ્યા છે. રાજકોટ-પોરબંદર ટ્રેનનું ભાડું માત્ર ૪૫ રૂ. હોવાથી વિદ્યાર્થી અને નોકરીયાત વર્ગને આ ટ્રેન નજીવા દરે ઉપયોગી બનશે.

આ પસંગે રાજકોટ ડિવિઝન ડી.આર.એમ. શ્રી ગિરિરાજકુમાર મીનાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાંસદો શ્રી રામભાઈ મોકરીયા અને શ્રી પૂનમબેન માડમે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જનસંપર્ક નિરીક્ષક શ્રી વિવેકભાઈ તિવારીએ કર્યું હતું. નોંધનીય છે કે મંત્રીઓ રાજકોટથી પોરબંદર ટ્રેનમાં જતાં, તેમનું વિવિધ સ્ટેશન પર અભિવાદન કરાયું હતું.

આ અવસરે ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી જયેશભાઈ રાદડીયા, અગ્રણીઓ શ્રી માધવભાઈ દવે, શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, શ્રી રાજુભાઈ ધ્રુવ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનોની સુવિધા

 

૧) રાજકોટ-પોરબંદર લોકલ ટ્રેન (દરરોજ) :

ટ્રેન નંબર ૫૯૫૬૧ રાજકોટ-પોરબંદર લોકલ ૧૫ નવેમ્બર, ૨૦૨૫થી દરરોજ રાજકોટ સ્ટેશનથી સવારે ૮.૩૫ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૩.૧૫ કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર ૫૯૫૬૨ પોરબંદર-રાજકોટ લોકલ ૧૫ નવેમ્બર, ૨૦૨૫થી દરરોજ પોરબંદરથી બપોરે ૦૨.૩૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૦૬.૫૫ કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે.

 

૨) રાજકોટ-પોરબંદર લોકલ ટ્રેન (સપ્તાહમાં પાંચ દિવસ) :

ટ્રેન નંબર ૫૯૫૬૩ રાજકોટ-પોરબંદર લોકલ ૧૬ નવેમ્બર, ૨૦૨૫થી સપ્તાહમાં ૦૫ દિવસ (બુધવાર અને શનિવાર સિવાય) રાજકોટ સ્ટેશનથી બપોરે ૦૨.૫૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૦૮.૩૦ કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર ૫૯૫૬૪ પોરબંદર-રાજકોટ લોકલ ૧૫ નવેમ્બરથી સપ્તાહમાં ૦૫ દિવસ (ગુરુવાર અને રવિવાર સિવાય) પોરબંદર સ્ટેશનથી સવારે ૭.૫૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે ૧૨.૩૫ કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે.

આ ટ્રેનો બંને દિશાઓમાં ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામજોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાળિયા અને રાણાવાવ સ્ટેશનો પર ઊભી રહેશે. ટ્રેનોના તમામ કોચ જનરલ એટલે કે અનારક્ષિત (અનરિઝર્વ્ડ) રહેશે.

Back to top button
error: Content is protected !!