પંચમહાલ, મહીસાગર અને દાહોદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ભરતી મેળામાં 2500થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ
વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોનું યોગદાન મહત્વનું: સાંસદ જશવંતસિંહ પરમાર

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 



પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે ક્લસ્ટર કક્ષાનો ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો. આ મેગા જોબ ફેરમાં રાજ્યની નામાંકિત કંપનીઓ સહિત કુલ 39 જેટલા નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે 2588 જેટલી ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી.
કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમારે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની ઈકોનોમી હરણફાળ ભરી રહી છે અને ટૂંક સમયમાં તે વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચશે. તેમણે ઉમેર્યું હતું કે, દેશના જીડીપીમાં કૃષિ બાદ MSME સેક્ટરનો ફાળો 30 ટકા જેટલો માતબર છે. સાંસદે ઉપસ્થિત યુવાનોને ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવા અને સરકારી યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બનવા આહ્વાન કર્યું હતું.
આ ભરતી મેળામાં જે.એસ.ડબલ્યુ., એમ.જી. મોટર, ટાટા સ્ટીલ, સુયોગ ઇલેક્ટ્રિકલ અને એલ.એન્ડ.ટી. જેવી પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ 7 પાસથી લઈને સ્નાતક, ITI, ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ટ્રેની, હેલ્પર, મશીન ઓપરેટર અને ટેકનિશિયન જેવી જગ્યાઓ ઓફર કરવામાં આવી હતી.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા અને જિલ્લા રોજગાર અધિકારી એન.કે. પાલાસરે ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે યુવાનોને સરકારની આરસેટી, માનવ ગરિમા યોજના, વાજપાઈ બેંકેબલ અને વ્હાલી દીકરી જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ નોકરીદાતાઓ સાથે સંવાદ સાધ્યો હતો.





