
પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ઉમરેઠ નગર ખાતે ઓડ ચોકડીથી થામણા ચોકડી સુધી નો રસ્તો રાક્ષસી ખાડાથી ભરપૂર છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ કેમ કુંભકર્ણની નિદ્રામાં છે તે ખ્યાલ નથી આવતો.આ રોડ પર એટલા મોટા અને ઊંડા ખાડા પડ્યા છે જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.આ ખાડાને કારણે વાહનો ને પણ ભારે નુકશાન થઈ રહ્યા છે અને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે.મોટા વાહનો થોડી મુશ્કેલી સહન કરીને નીકળી જતા હોય છે પરંતુ નાના ફોર વ્હીલર અને બાઇક ચાલકો તો અકસ્માત નો પણ સામનો કરી રહ્યા છે.ઓડ ચોકડી થી થામણા ચોકડી પર જવાનો રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે પણ વાહનચાલકો મજબૂરી ને માર્યા આ ખાડામાં પોતાનું વાહન નાખીને નુકશાન ની ચિંતા કર્યા વિના પણ રસ્તો પાર કરી રહ્યા છે કારણકે આ રોડ પાર કરવા માટે બીજો કોઈ વિકલ્પ નથી.રોજિંદા અવરજવર કરતા તથા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે હમણાં થોડા દિવસ અગાઉ જ માર્ગ અને મકાન વિભાગ દબાણની કામગીરી માટે ઉમરેઠ નગરની મુલાકાતે હતા ત્યારે ગરીબ વર્ગના લોકોના દબાણ હટાવ્યા અને મોટા માથાઓના દબાણ તેમ ને તેમ જ રાખ્યા તે વખતે શું માર્ગ અને મકાન વિભાગને આ રોડ પર નજર નહી પડી હોય?
માર્ગ અને મકાન વિભાગને જો જાણ હોય તો આ માર્ગ પરથી ડાકોર રણછોડરાય મંદિરના દર્શનાર્થે રોજના કેટલાય દર્શનાર્થીઓ દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે યાત્રાધામ જતા લોકોને પણ અહીંથી પસાર થવામાં અકસ્માતનો ભય સતાવે છે ત્યારે તંત્ર એ તત્કાલ આ માર્ગને સમારકામ કરી વ્યવસ્થિત કરવો જોઈએ તેવી સૌ કોઈ માંગણી કરી રહ્યા છે ત્યારે તંત્ર એ કુંભકર્ણની નિદ્રા માંથી જાગવું પડશે.







