*નાગરિકોના સ્વાસ્થ સુરક્ષા માટે રાજ્ય સરકારની ક્રાંતિકારી પહેલ: આરોગ્ય સમીક્ષા કેન્દ્ર*
અહેવાલ:- પ્રતિક ભોઈ
*નાગરિકોના સ્વાસ્થ સુરક્ષા માટે રાજ્ય સરકારની ક્રાંતિકારી પહેલ: આરોગ્ય સમીક્ષા કેન્દ્ર*
***********************
*માત્ર એક જ મહિનામાં (જુલાઈ-૨૦૨૫) આરોગ્ય સમીક્ષા કેન્દ્ર દ્વારા કુલ ૩.૭૬ લાખથી વધુ કોલ્સ સ્વીકારવામાં આવ્યા: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
***********************
• ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન પરથી ૧૨,૮૦૦થી વધુ અને PMJAY હેલ્પલાઈન પર ૪,૦૦૦થી વધુ કોલ્સ સ્વીકાર્યા
• PMJAY લાભાર્થીઓના પ્રતિસાદ મેળવવા માટે ૯૯,૦૦૦થી વધુ કોલ્સ કરાયા
• મહારાષ્ટ્રની આરોગ્ય વિભાગની ટીમ અને વર્લ્ડ બેંકની ટીમે આરોગ્ય સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી
***********************
ગુજરાતના નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા અને સુખાકારીને કેન્દ્રમાં રાખીને એક ક્રાંતિકારી પહેલના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે તાજેતરમાં જ ગાંધીનગર ખાતે “આરોગ્ય સમીક્ષા કેન્દ્ર”નો શુભારંભ કરાવ્યો હતો. આરોગ્ય સમીક્ષા કેન્દ્ર માત્ર એક જ મહિનામાં રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં, લાભાર્થીઓ પાસેથી પ્રતિભાવ મેળવવામાં અને ડેટા આધારિત નિર્ણયો લેવા માટેનું એક મહત્વપૂર્ણ મધ્યમાં પૂરવાર થઇ રહ્યું છે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ કેન્દ્રમાં ઉપલબ્ધ અદ્યતન સુવિધા અને ૧૦૦ જેટલા કોલટેકર્સના માધ્યમથી આરોગ્ય વિભાગની તમામ સ્વાસ્થ્યલક્ષી સેવાઓની એક જ સ્થળેથી વ્યાપક સમીક્ષા થઇ રહી છે. ગત જુલાઈ-૨૦૨૫ દરમિયાન આ કેન્દ્ર દ્વારા કુલ ૩.૭૬ લાખથી વધુ કોલ્સ સ્વીકારવામાં કરવામાં આવ્યા હતા. જેમાં ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન પરથી ૧૨,૮૦૦થી વધુ, આરોગ્ય સમીક્ષા કેન્દ્ર પર ૫૮,૦૦૦થી વધુ, PMJAY લાભાર્થીઓના પ્રતિસાદ કોલિંગ માટે ૯૯,૦૦૦થી વધુ, PMJAY હેલ્પલાઈન પર ૪,૦૦૦થી વધુ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના RMNCAH+N માટે આવેલા ૨,૦૦,૦૦૦થી વધુ કોલ્સને મળી કુલ ૩.૭૬ લાખથી વધુ કોલ્સ સ્વીકારવામાં આવ્યા હતા.
મંત્રીશ્રી વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કે, આરોગ્ય સમીક્ષા કેન્દ્ર દ્વારા જુલાઈ-૨૦૨૫ દરમિયાન સગર્ભા માતાના આરોગ્ય માટે ૧૪,૦૦૦થી વધુ, બાળ આરોગ્ય માટે ૧૩,૯૦૦થી વધુ, ટી.બી.ના દર્દીઓને ૧૧,૯૦૦થી વધુ, રસીકરણ કામગીરી માટે ૫,૦૦૦થી વધુ, સિકલસેલના દર્દીઓને ૬,૫૦૦થી વધુ, શાળા આરોગ્ય કાર્યક્રમ માટે ૬,૫૦૦થી વધુ, વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ માટે ૨૪૫ કોલ્સ કરીને આ પ્રકારની મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓનું પણ ફોલો-અપ લેવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન દ્વારા જુલાઈ-૨૦૨૫ દરમિયાન PMJAY-આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સારવાર લઇ રહેલા દર્દીઓના પ્રતિભાવ અને સકારાત્મક પ્રભાવની પુષ્ટિ કરવા માટે કુલ ૯૯,૦૦૦થી વધુ કોલ્સ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે, PMJAY હેલ્પલાઈન પર પણ ૪,૦૦૦થી વધુ કોલ્સ સ્વીકારીને, મોટા ભાગની ફરિયાદોને હકારાત્મક વાચા આપવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ ગર્વભેર કહ્યું હતું કે, ગત તા. ૧૬ જુલાઈના રોજ વર્લ્ડ બેંકની ટીમે તેમજ તા. ૨૪ જુલાઈના રોજ મહારાષ્ટ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકારની આ પ્રેરણાદાયી પહેલથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. ગુજરાત સરકારની આ મહત્વકાંક્ષી પહેલ રાજ્ય સરકારનો નાગરિકોના આરોગ્ય પ્રત્યેનો સકારાત્મક અને પ્રગતિશીલ અભિગમ દર્શાવે છે. આ કેન્દ્રના માધ્યમથી રાજ્ય સરકાર આરોગ્યલક્ષી કાર્યક્રમોનું સંકલન કરીને લાભાર્થીઓને સમયસર અને સચોટ સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.