
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં ગત બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.તેમાંય ડાંગ જિલ્લામાં શનિવાર અને રવિવારની સંધ્યાએ વાતાવરણમાં અચાનક આવેલા પલટા બાદ રાત્રીના અરસામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોનાં તૈયાર થયેલા ડાંગરના પાકને જંગી નુકસાન થયુ છે.બીજી તરફ, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા આહલાદક વરસાદી માહોલના પગલે પ્રવાસીઓથી ઊભરાઈ ગયુ હતુ.જેના કારણે અહીંના તમામ હોટેલો અને રિસોર્ટ્સ ‘હાઉસફુલ’ થઈ જવા પામ્યા હતા.જેના પગલે ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા.શનિવારે રાત્રે ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુબિર અને સાપુતારા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.કમોસમી વરસાદના કારણે ખેતરોમાં તૈયાર થઈને લણણીની તૈયારીમાં રહેલો ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો.ડાંગરના છોડમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક વિસ્તારોમાં પાકને 50 ટકાથી વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.સાથે અન્ય પાકોને પણ જંગી નુકસાન થયુ છે.છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયુ વાતાવરણ અને શનિવારનાં રોજ રાતનો આ વરસાદ ખેડૂતો માટે પડતા પર પાટુ જેવો સાબિત થયો છે.ડાંગ જિલ્લાનાં ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને વળતરની માંગ કરી છે.રવિવારના દિવસ દરમિયાન જોકે ધોધમાર વરસાદે વિરામ લીધો હતો,પરંતુ વાદળછાયા માહોલ વચ્ચે જિલ્લાનાં અનેક ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો વરસાદને કારણે સમગ્ર ડાંગ જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી દિવસભર વાતાવરણ ખુશનુમા રહેતા સ્થાનિકો અને પ્રવાસીઓએ રાહત અનુભવી હતી.રવિવારની રજા અને વરસાદી માહોલના કારણે ગિરિમથક સાપુતારા પ્રવાસીઓથી છલકાઈ ગયુ હતુ.ડાંગરના પાકને નુકસાન થયુ હોવા છતા પ્રકૃતિપ્રેમીઓ માટે સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ હતુ.વરસાદને પગલે સર્જાયેલા ધુમ્મસ અને પહાડો પરથી નીચે ઉતરતા ઝરણાના દૃશ્યોએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.સાપુતારામાં રોપ-વે, સર્પગંગા તળાવ, સનસેટ પોઈન્ટ અને ટેબલ પોઈન્ટ જેવા સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.દિવાળી વેકેશનને પગલે સાપુતારાના મોટાભાગની હોટેલ અને રિસોર્ટ્સ પ્રવાસીઓથી હાઉસફુલ થઈ ગયા છે,જેના કારણે પ્રવાસન ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે.વરસાદી માહોલે સાપુતારાના વાતાવરણને વધુ આહલાદક બનાવ્યું છે, જેને માણવા માટે ગુજરાત સહિત મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.સાપુતારામાં રવિવારે પણ જ્યાં નજર નાખો ત્યાં માત્ર પ્રવાસીઓ ની જ ભીડ દેખાતા વાતાવરણ વિવિધ નાદોની સાથે ગુંજી ઊઠયુ હતુ..





