
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પેટા:- રાજ્યનાં 20 જેટલા જિલ્લા પંચાયતનાં પ્રમુખોએ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ, સરસ મેળો,હસ્તકલા બજાર,ગીરાધોધ સહીત બોટનીકલ ગાર્ડન વઘઇની મુલાકાત લઈ પ્રવાસન વિભાગની સરાહના કરી..
ડાંગ જિલ્લાનાં રમણીય ગિરિમથક સાપુતારા ખાતેનાં તોરણ હોટલનાં સભાખંડમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ ગાંધીનગરની એક મહત્ત્વની કારોબારી બેઠક યોજાઈ હતી,જેમાં રાજ્યના 20 જિલ્લાનાં જિલ્લા પંચાયત પ્રમુખોએ હાજરી આપી હતી.આ બેઠકનો મુખ્ય હેતુ પંચાયતી રાજ વ્યવસ્થા અંગેની ગોષ્ટી, રાજય સરકારમાં કરેલ રજુઆત અને અગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા, ગુજરાતની પ્રવાસન અને વ્યાપાર નીતિઓ, તેમજ જિલ્લા પંચાયતોના વહીવટી માળખાને વધુ સુદૃઢ બનાવવા પર ચર્ચા કરવાનો હતો.આ બેઠક દરમિયાન દરેક જિલ્લાનાં પ્રમુખોએ જિલ્લા સ્તરે પ્રવાસનને વેગ આપવા માટેના વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે સૂચનો પણ આપ્યા કે કેવી રીતે સ્થાનિક સંસ્કૃતિ અને હસ્તકલાને પ્રવાસન સાથે જોડીને આર્થિક વિકાસ કરી શકાય.આ ઉપરાંત, જિલ્લા પંચાયતોના વહીવટી કાર્યોમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટેના ઉપાયો પર પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.કારોબારી બેઠક ઉપરાંત, ઉપસ્થિત પ્રમુખોએ ડાંગ જિલ્લાનાં પ્રખ્યાત પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.તેમણે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલના વિવિધ કાર્યક્રમો, સ્થાનિક સરસ મેળા હસ્તકલા બજાર, ગીરાધોધ અને બોટાનિકલ ગાર્ડન જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસન વિભાગને વધુ વેગ આપવા માટેની શક્યતાઓ અને પડકારોની સમીક્ષા કરવાનો હતો.પ્રમુખોએ ડાંગના કુદરતી સૌંદર્ય અને પ્રવાસન સંભાવનાઓની પ્રશંસા કરી અને તેને રાજ્યના પ્રવાસન નકશા પર વધુ ઊજાગર કરવાના પ્રયાસો પર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે, ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન તથા ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાનાં મંત્રી સુભાષભાઈ ગાઈન દ્વારા તમામ મહેમાનોનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ.તેમને ડાંગની પરંપરાગત બનાવટો અને સ્થાનિક વાનગીઓ પ્રેમપૂર્વક પીરસીને ડાંગી સંસ્કૃતિની ઝલક રજૂ કરવામાં આવી હતી.ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઈન અને ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાઈને રાજ્યનાં તમામ જિલ્લા પંચાયત પ્રમુખોનું ડાંગની ધરા પર ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કર્યું હતુ.આ કાર્યક્રમમાં ગુજરાત પંચાયત પરિષદના પ્રમુખ પરેશભાઈ દેસાઈ (નવસારી), હસમુખભાઈ પટેલ (આણંદ), ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન, અને ગુજરાત આદિજાતિ મોરચાના મંત્રી સુભાસભાઈ ગાઈન સહિત અન્ય જિલ્લાઓનાં પ્રમુખોની ઉપસ્થિતિ નોંધનીય રહી હતી.આ બેઠકથી સ્થાનિક વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર વચ્ચે વધુ સુમેળ સ્થાપિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદનાં પ્રમુખ પરેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,”આ આયોજનનો મુખ્ય હેતુ દરેક જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળે તે માટેનો હતો.અને આમ જનતા એકબીજા જિલ્લામાં જઈને જિલ્લાના લોકોથી પરિચિત થાય.ત્યારે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન દ્વારા અહીં સાપુતારા ખાતે સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.તે આનંદની બાબત છે.સાથે ડાંગ જિલ્લો એ ગુજરાતનું સ્વર્ગ મનાય છે.ત્યારે અમે ગુજરાતના દરેક જિલ્લાનાં પ્રમુખોએ કુદરતી સૌંદર્યનો લ્હાવો લીધો અને મોન્સુન ફેસ્ટિવલનો પણ લાભ લીધો.આવનાર દિવસોમાં ડાંગ જિલ્લો વધુ પ્રગતિ કરે તેવી અમને આશા છે. શબરીધામ, ગીરાધોધ, પંપા સરોવર, મહાલ,બોટનિકલ ગાર્ડન વગેરે જોવા લાયક સ્થળો છે.ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા અને તેમની ટીમનો આભાર વ્યકત કરું છું”.





