
તા.૩૦/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
કોલેરાનો ફેલાવો અટકાવવા નિદાન અને સારવાર માટે તબીબો કાર્યરત
Rajkot, Upleta: રાજકોટ જિલ્લાના ઉપલેટા ઔદ્યોગિક એકમ વિસ્તારમાં કોલેરાના શંકાસ્પદ કેસો મળી આવતા સરકાર જન-આરોગ્યને લઈને ચિંતિત છે. ત્યારે આ કારખાના વિસ્તારમાં કોલેરાનો રોગ ફેલાતો અટકાવવા માટે ધન્વંતરી રથ પહોંચી ગયો છે. જેમાં ડોક્ટર, લેબ ટેકનીશીયન સહિતની ટીમને મૂકવામાં આવી છે. આ ટીમ ઔદ્યોગિક એકમ વિસ્તારમાં જઈને સ્થળ ઉપર સારવાર અને જરૂરી જણાય તેવા દર્દીઓની લેબોરેટરી તપાસ પણ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ધન્વંતરી ડોક્ટર રવિના અને એમની ટીમ વધારેમાં વધારે દર્દીઓની સારવાર માટે કાર્યરત છે. તેઓ લોકોને પાણીજન્ય રોગચાળાથી બચવા માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી હોવાનું સમજાવી રહ્યાં છે. તેમજ જો કોઈપણ વ્યક્તિ અસ્વસ્થતા અનુભવે તો તરત ધન્વંતરી ટીમ અથવા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવામાં આવે, તેવો અનુરોધ કરાયો છે. આ કામગીરી માટે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર નયન લાડાણી અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરશ્રી સમીર રાવલ જહેમત ઉઠાવી રહ્યા છે, તેમ યાદીમાં જણાવાયું છે.
				




