DAHODGUJARATJHALOD

ઝાલોદમાં પૂજારીની હત્યાનો સનસનીખેજ પર્દાફાશ : મિત્ર બની બોલાવી માછણ નદી કિનારે લઈ જઈ લૂંટના ઇરાદે કરી નિર્દય હત્યા

તા.૧૪.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ઝાલોદમાં પૂજારીની હત્યાનો સનસનીખેજ પર્દાફાશ : મિત્ર બની બોલાવી માછણ નદી કિનારે લઈ જઈ લૂંટના ઇરાદે કરી નિર્દય હત્યા

લોહીલુહાણ હાલતમાં લાશ મળતા ફેલાઈ હતી ચકચાર – દેવાના બોજે દબાયેલા યુવાને સોના-ચાંદીના દાગીનાની લાલચે રચી ખૂનની સઝિશ, પોલીસએ ગણતરીના કલાકોમાં દબોચ્યો આરોપી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં પૂજારીની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાવી દીધી હતી. ભજન-કીર્તન માટે ઘરેથી નીકળેલા પૂજારી બીજા દિવસે માછણ નદીના કિનારે લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં મળતા લોકોમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો હતો. શરૂઆતમાં રહસ્યમય લાગતી આ હત્યાની ઘટનાનો ઝાલોદ પોલીસે ગણતરીના કલાકોમાં ચોંકાવનારો પર્દાફાશ કરી આરોપીને ઝડપી લીધો છે.ઝાલોદના ડુંગરી ફળિયાના. રામદેવ મંદિરના પૂજારી અને રામદેવ ભગવાનના ભક્ત તરીકે જાણીતા નગીનભાઈ વિરાભાઈ ભુનાતર (ઉંમર આશરે ૫૧ વર્ષ) ની લાશ થેરકા ગામ નજીક પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદીના કિનારે ઝાડી-ઝાંખરામાં લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. આ ઘટના સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.ભજન માટે નીકળેલા પૂજારી બન્યા હત્યાનો શિકાર પરિવારજનોના જણાવ્યા મુજબ નગીનભાઈ ૧૧ માર્ચના રોજ સાંજે ભજન-કીર્તન માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ રાત્રે મોડે સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોમાં ચિંતા વધવા લાગી હતી. તેમના મોબાઇલ પર અનેકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.બીજી તરફ બીજા દિવસે બપોરે થેરકા ગામ નજીક માછણ નદીના કિનારે એક વ્યક્તિ પડેલી હોવાની માહિતી સ્થાનિક ખેડૂતોને મળતા તેઓ નજીક જઈ તપાસ કરતા તે રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ હોવાનું સામે આવ્યું હતું. તેઓ લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં પડેલા જોવા મળતા તરત જ પરિવારજનો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.ઘટના સ્થળે પહોંચતા જ પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોતાના સ્વજનને આ હાલતમાં જોઈ પરિવારજનો દુઃખથી તૂટી પડ્યા હતા.દાગીના ગાયબ, લૂંટ પછી હત્યાની શંકા પોલીસ તપાસ દરમિયાન મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. સાથે સાથે તેઓ સામાન્ય રીતે પહેરતા સોના-ચાંદીના દાગીના પણ ગાયબ હોવાનું સામે આવતા લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની શંકા મજબૂત બની હતી.ઘટનાની ગંભીરતા જોતા ઝાલોદ પોલીસ સાથે દાહોદ એલસીબી અને એસઓજીની ટીમોએ પણ તપાસ હાથ ધરી હતી. માનવ સૂત્રો અને ટેકનિકલ માહિતીના આધારે શંકાસ્પદ લોકોની હલચલ પર નજર રાખવામાં આવી રહી હતી.પુલિયા પાસે બેઠેલો શંકાસ્પદ યુવાન બન્યો કડી તપાસ દરમિયાન પોલીસને ગામડી રોડ પર આવેલી પુલિયા નજીક એક યુવાન શંકાસ્પદ હાલતમાં બેઠેલો હોવાની બાતમી મળી. પોલીસ તરત જ સ્થળ પર પહોંચી તેને કાબૂમાં લઈ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી સઘન પૂછપરછ શરૂ કરી.પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ અજયભાઈ સામજીભાઈ પરમાર (ઉંમર ૩૦) હોવાનું જણાવ્યું. પોલીસની કડક પૂછપરછમાં થોડા જ સમયમાં આખી હકીકત બહાર આવી ગઈ.દેવાના બોજે બનાવ્યો ખૂનની યોજના પોલીસ તપાસમાં બહાર આવ્યું કે અજયભાઈએ બે મહિના પહેલા લગ્ન કર્યા હતા. લગ્ન અને દહેજના ખર્ચાને કારણે તેના પર ભારે દેવું થઈ ગયું હતું. ઉછીના લીધેલા રૂપિયાની માંગણી લોકો વારંવાર કરતા હોવાથી તે ભારે તણાવમાં હતો.અજયભાઈ નગીનભાઈને સારી રીતે ઓળખતો હતો અને જાણતો હતો કે તેઓ ગળામાં સોનાની ચેન, હાથમાં સોનાની વીટી અને ચાંદીનું ભોરીયું પહેરતા હતા. આ દાગીના વેચી દેવામાં આવે તો પોતાનું દેવું ઉતરી જશે એવી લાલચે તેણે ખૂનની ભયાનક યોજના બનાવી.તેણે નગીનભાઈને “ઉછીના આપેલા પૈસા લેવા જવાનું છે” કહી માંડલીખુંટા ગામે બોલાવ્યા. ત્યારબાદ માછણ નદીના કિનારે એકાંત સ્થળે લઈ જઈ અંધારાનો લાભ લઈ લોખંડની હથોડીથી માથામાં ઘા કર્યા અને પછી ગળું દબાવી તેમની નિર્દય હત્યા કરી નાખી. ત્યારબાદ ગળાની સોનાની ચેન, હાથની સોનાની વીટી અને ચાંદીનું ભોરીયું કાઢી લઈ ત્યાંથી ફરાર થઈ ગયો.પોલીસની ઝડપી કામગીરીથી આરોપી દાગીનાં સાથે ઝડપાયો ઝાલોદ પોલીસ, દાહોદ એલસીબી અને એસઓજીની સંયુક્ત કામગીરીથી આરોપીને ઝડપીને તેની પાસેથી લૂંટાયેલા સોના-ચાંદીના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે.આમ, ઝાલોદમાં પૂજારીની રહસ્યમય હત્યાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ થતા લોકોમાં આશ્ચર્ય સાથે રાહતનો માહોલ જોવા મળ્યો છે. ભક્તિ અને સાદગીભર્યા જીવન માટે જાણીતા પૂજારી સાથે થયેલી આ ક્રૂર ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.

Back to top button
error: Content is protected !!