
કિરીટ પટેલ બાયડ
અરવલ્લીના નાનકડા ગામડાથી લઈને વિદેશ સુધી ધૂમ મચાવતી ” અથાણા મંડળી”
મેઘરજના શિવરાજપુરા ગામના સખીમંડળ “અથાણા મંડળી”ની મહિલાઓ બની આત્મનિર્ભર
ગુજરાત સરકાર મહિલાઓને પોતાના પગ પર ઊભા રહી વેપાર કરવા પ્રેરિત કરે છે. મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સરકારશ્રી દ્વારા જિલ્લામાં સખીમંડળ બનાવી તેમને વ્યાપાર માટે પ્રેરિત કરવા આહવાન કરાયું હતું. જેના ફળ સ્વરૂપે આજે અરવલ્લી જિલ્લાના નાનકડા ગામની મહિલાઓ અથાણા બનાવી પોતાની નામના વિદેશ સુધી ફેલાવી રહી છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા શિવરાજપુર ગામમાં અર્પિતાબેન પટેલ પોતાની આસપાસની ૧૦ જેટલી મહિલાઓ સાથે મળી “અથાણા મંડળી” સખી મંડળ ચલાવે છે. આ સખી મંડળની બહેનો કેરીના અથાણા, લીંબુના અથાણા, મરચાના અથાણા, કેરીનો છૂંદો બનાવી તેનું વેચાણ કરે છે. રતાળાનું અથાણું તેમની સ્પેશિયલિટી છે. તેમના અથાણા આસપાસના લોકો, અમદાવાદ, સાબરકાંઠાથી લઈ અમેરિકામાં વસતા સગાસંબંધીઓમાં પણ પ્રસિદ્ધ છે.
સરકારનો આભાર માનતા અર્પિતાબેન પટેલ જણાવે છે કે સરકારના આ સખીમંડળ બનાવવાના કારણે અમે આજે આ વ્યાપાર કરતા થયા છીએ. અમને સરકાર તરફથી લોન પણ મળી છે જેના થકી અમે અમારા વ્યાપારનું વિસ્તરણ કરી શક્યા છીએ. આજે અમે અન્ય સખીમંડળની બહેનોને તાલીમ આપવા પણ જઈએ છીએ. અમે અન્ય મહિલાઓને પણ પોતાનો વ્યાપાર કરી આત્મનિર્ભર બનવા અપીલ કરીએ છીએ.
૦૦૦૦



