નવસારીમાં “હર ઘર તિરંગા” અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા–દેશભક્તિનો અવિસ્મરણીય દ્રશ્ય…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
“હર ઘર તિરંગા” અભિયાન અને હર ઘર સ્વચ્છતા અભિયાનની ભાવના સાથે નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ આજે ભવ્ય *તિરંગા યાત્રા*નું આયોજન કરવામાં આવ્યું. સવારે 10:00 કલાકે કુવારા સર્કલથી યાત્રાનો શુભારંભ માન. કેન્દ્રીય મંત્રી (જળ શક્તિ વિભાગ) શ્રી સી. આર. પાટીલ (સાંસદ – નવસારી)ના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો.
તિરંગા યાત્રાનો રૂટ કુવારા સર્કલ → ગોલવાડ ચોક → લક્ષ્મેશ હૉલ → સાયાજી વૈભવ લાઇબ્રેરી રોડ → જુનાથાણા સર્કલ → લુંસીકુઇ સર્કલ → સાઇટ હાઉસ સર્કલ સુધી રહ્યો. આ યાત્રામાં 1500થી વધુ વિદ્યાર્થી, 200થી વધુ એનસીસી કેડેટ્સ અને 200થી વધુ પોલીસ જવાનો શ્રેણીબદ્ધ રીતે જોડાયા. ખાસ આકર્ષણરૂપે 800 વિદ્યાર્થીઓ તિરંગા કલરના કપડાંમાં ત્રણ રંગોની હરોળમાં ભારતના રાષ્ટ્રધ્વજનું જીવંત દ્રશ્ય સર્જ્યું, જ્યારે 50થી વધુ વિદ્યાર્થીઓ સ્વાતંત્ર સેનાનીઓના વેશમાં દેશના ઈતિહાસને યાદ અપાવતા રહ્યા. ભારત માતાનું વિશિષ્ટ ટેબ્લું, 50 મીટર લાંબો ધ્વજ, તથા ટ્રાઇબલ સમાજની સાંસ્કૃતિક ટુકડી દ્વારા લોકસંસ્કૃતિના રંગોએ યાત્રાને વધુ ભવ્ય બનાવી.
મુખ્ય મહેમાનોમાં જિલ્લા ભાજપ પ્રમુખ, જલાલપોર તથા નવસારી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યો, કલેકટર, કમિશનર, ડીડીઓ, પ્રાંત અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. વિવિધ રાજ્યોના પરંપરાગત વેશભૂષામાં વિદ્યાર્થીઓએ “વિવિધતામાં એકતા”નો સંદેશ આપ્યો.
યાત્રામાં બાઈક રેલી, સાયકલ રેલી, નવસારી મહાનગરપાલિકાના ટેબ્લાં ટ્રક, ડીજે સાઉન્ડ વાહનો, સાંસ્કૃતિક કૃત્યો કરતી ટુકડીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ સહિત 2000થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ તિરંગા યાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ દેશભક્તિ, એકતા અને પરંપરાનો ઉત્સવ બની રહી. નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી નગરજનોને તિરંગા યાત્રામાં જોડાવા માટે આપેલ હાર્દિક આમંત્રણને જનતાએ ઊષ્માભેર સ્વીકારી, અને સમગ્ર શહેરમાં એકતા, સ્વચ્છતા અને સ્વતંત્રતાનો સંદેશ પ્રસર્યો…




