ભરૂચ: કંપી ઉઠાવનારા ત્રિપલ મર્ડર કેસમાં ન્યાય, પત્ની અને માસૂમ બાળકોનો હત્યારો આરોપી જગદીશ સોલંકીને આજીવન કેદ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના ભોલાવ વિસ્તારમાં સાત વર્ષ પહેલાં થયેલા અતિ જઘન્ય અને કંપારી છૂટી જાય તેવા ત્રેવડા હત્યાકાંડમાં આખરે ન્યાય મળ્યો છે. પ્રિન્સિપાલ જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈએ આ કેસના આરોપી જનક ઉર્ફે જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે. આ નિર્ણયે આ સમાજને હચમચાવી નાખનાર ઘટના પર ન્યાયિક પડદો પાડ્યો છે. આ ઘટના 2018ની છે. જ્યારે પાનોલીની એક કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા જગદીશ સોલંકી દેવાના બોજ તળે દબાઈ ગયો હતો. બેંકની 3 લાખની લોન અને અન્ય 80 હજારના દેવા સાથે તેનો 25,000નો પગાર અપૂરતો સાબિત થયો હતો. મહિને 13,000ના હપ્તા અને 6,000ના ઘરભાડાની ચુકવણી ન કરી શકતા જગદીશે આખરે એક ભયાનક પગલું ભર્યું હતું. 26 ફેબ્રુઆરી 2018ના રોજ આર્થિક સંકડામણથી ભાંગી પડેલા જગદીશે પહેલા પોતાની પત્નીને પાણી આપવાના બહાને બોલાવી તેના ગળા પર ચપ્પુનો વાર કર્યો હતો. જ્યારે પત્નીએ બચવા માટે બૂમો પાડી ત્યારે તેણે તેના પર અનેક ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ રાક્ષસી કૃત્ય બાદ પણ તે અટક્યો નહીં. અને તેણે પોતાના અઢી વર્ષના પુત્ર અને માત્ર સાત મહિનાની પુત્રીને પ્રેમથી ચૂમ્યા અને પછી તેમના ગળા પર પણ તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી નૃશંસ હત્યા કરી નાખી હતી. આ ત્રિપલ મર્ડર બાદ જગદીશે પોતે પણ ગળું અને હાથ કાપી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ કેસમાં ભરૂચ જિલ્લા સરકારી વકીલ પી.બી પંડ્યાએ કોર્ટ સમક્ષ તમામ પુરાવા અને દલીલો રજૂ કરીને આરોપી માટે ફાંસીની સજાની માંગણી કરી હતી. ખુદ આરોપી જગદીશે પણ પોતાને ફાંસી આપવાની વિનંતી કરી હતી. પ્રિન્સિપાલ જિલ્લા ન્યાયાધીશ આર.કે દેસાઈએ કેસની ગંભીરતા અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમાં લઈને આ જઘન્ય ગુના માટે જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદો સમાજમાં એક સખત સંદેશ આપે છે કે, આર્થિક સંકડામણ માનવતા પર ભારે પડી શકે નહીં. આ દુર્ઘટના પરિવારના કલંકિત સંબંધો અને માનસિક દબાણના ભયાનક પરિણામોનું એક કમકમાટીભર્યું ઉદાહરણ પૂરું પાડે છે.




