
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
વાલીયા તાલુકાની ગણેશ સુગર ફેક્ટરીમાં વર્ષ 2025-26ની શેરડી પિલાણ સીઝનનો ચેરમેન મહેન્દ્રસિંહ મહીડાની અધ્યક્ષતામાં શુભારંભ કરવામાં આવ્યો હતો. શુભારંભ પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા દ્વારા પરંપરાગત પૂજાવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ શ્રીફળ વધેરી શેરડી પિલાણ કાર્યનો પ્રારંભ કર્યો હતો.
આ વર્ષે ગણેશ સુગર ફેક્ટરી દ્વારા લાભ પાંચમના દિવસે પિલાણ શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે તેમાં થોડો વિલંબ થયો હતો. તો બીજી તરફ, જિલ્લામાં આવેલી અન્ય અનેક સુગર મિલોને પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. જોકે, સંસ્થાએ ખેડૂત હિતને ધ્યાને રાખીને ગત સીઝનની શેરડીની ફાઈનલ ચુકવણી દિવાળી પૂર્વે જ સમયસર કરી દીધી છે.
ઉપરાંત નવી સીઝન માટે મજૂરો, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા અને પ્લાન્ટના જરૂરી કાર્યોનું આગોતરુ આયોજન પૂરું કરવામાં આવ્યું છે. જેથી શેરડી કાપણી અને પિલાણમાં કોઈ વિઘ્ન ન આવે. સંસ્થાની કસ્ટોડિયન કમિટી ખેડૂત હિતમાં સતત પ્રયત્નશીલ રહી વધુમાં વધુ શેરડીનું પિલાણ થાય અને દરેક સભાસદ ખેડૂતને સમયસર લાભ મળે તે દિશામાં કાર્યરત છે.
આ પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા, ડિરેક્ટર કિરણ પટેલ, હરેન્દ્રસિંહ ખેર, જીતેન્દ્રસિંહ જાદવ, મેહુલકુમાર પટેલ, જયદીપસિંહ પરમાર, મેનેજીંગ ડિરેક્ટર અમરસિંહ રણા, માજી ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ મહીડા, સુરેન્દ્રસિંહ પરમાર, ઈશ્વરસિંહ ખેર, જયેન્દ્રસિંહ કઠવાડિયા, રાજુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, આગેવાનો તેમજ અધિકારી-કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.



