
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના ડુંડવાળા પાસે ધોરણ ૧૦ના વિદ્યાર્થીનો શંકાસ્પદ મૃતદેહ મળતાં ચકચાર – ટ્યુશન માટે ઘરેથી નીકળ્યો હતો વિધાર્થી
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ડુંડવાળા વિસ્તારમાં આજે વહેલી સવારે ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો મૃતદેહ રોડ કિનારે ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.મૃતકની ઓળખ રાવલ રમેશ લક્ષ્મણ (ઉંમર ૧૫ વર્ષ), રહેવાસી સીમલેટી ગામ તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યાર્થી વહેલી સવારે રોજની જેમ ટ્યુશન માટે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. બાદમાં ડુંડવાળા નજીક રોડ કિનારે ઝાડ પર લટકતી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો.
આ ઘટનાને લઈ પરિવારજનોએ હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે અને ન્યાયની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે વિદ્યાર્થીની હત્યા કરી મૃતદેહ લટકાવવામાં આવ્યો હોવાની શંકા છે.ઘટનાની જાણ થતાં જ મેઘરજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓથી મામલાની તપાસ કરવામાં આવી રહી છે.ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા, જેના કારણે થોડા સમય માટે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લઈ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.વિદ્યાર્થીનું મૃત્યુ આત્મહત્યા કે હત્યા—તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત બહાર આવશે.




