
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૪/૦૧/૨૦૨૫
આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગના ડૉ.કુબેરભાઈ ડિંડોર ડિંડોરના હસ્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત પુ. મીઠુબેન પીટીટ માધ્યમિક આશ્રમ શાળા ચાસવડ તથા નવા શિક્ષણ ભવનનું ખાતમૂર્હત કરાયું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, ગાંધીજી દ્વારા નિર્દેશિત રચનાત્મક કાર્યક્રમોના અમલથી લોકોત્થાનની પ્રવૃત્તિઓ સાથે સમાજ પરિવર્તન માટેની અનોખી કામગીરી કરી આ સંસ્થાએ કરી છે. જે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ,પરિવાર,સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કામ કસ્તુરબા સેવાશ્રમ મરોલીએ આપ્યું છે. ગાંધીજીએ આપેલા આદર્શોને સંકલ્પ બનાવી સંસ્થાએ પોતાનો સિંહફાળો રાષ્ટ્રનિર્માણમાં આપી રહી છે.જે ખરેખર સરાહનિય છે.
આ પ્રસંગે મંત્રીએ અદ્યતન સ્કૂલના નિર્માણ બદલ ટ્રસ્ટીઓ તથા દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને સેવા માટેની ભાવનાને બિરદાવી હતી. શાળાને સાકારિત કરવામાં સહયોગ આપનારા દાતાશ્રી કંબોડીયા ગામના ડૉ. જયવંતભાઈ ભક્ત( હાલ યુ.એસ.એ) અને ટીમકોન કંપની તેમજ અન્ય સર્વશ્રી મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું.
મંત્રીએ, સૌ પ્રથમ કસ્તુરબા આશ્રમ શાળામાં આવેલી ધૈનુગીર ગૌ – શાળાની મુલાકાત લીધી હતી. સાથે અર્પણ હોલમાં મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ઔષદ બાગ અને “રાની પ્રદેશ આરોગ્ય કેન્દ્રની” સાથે સંસ્થામાં આવેલાં અન્ય પ્રકલ્પોની સ્થળ મુલાકાત કરી વિષયે તેમણે વિસ્તૃત વિગતો મેળવી હતી. તથા નવા બનનારા સ્કૂલ બિલ્ડીંગ તથા કન્યા છાત્રાલયના ભવનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું.
આ વેળાએ, બાળકો દ્નારા દેશભક્તિની થીમ આધારિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. તેઓએ વીઝિટ બુકમાં પોતાનો અનુભવ અને મંતવ્ય રજૂ કર્યા હતાં.
આ પ્રસંગે,સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયાએ સંસ્થાનો પરિચય આપતા કેમ્પસમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ,મુખ્ય સિધ્ધીઓ તેમજ ભાવી આયોજન વિશે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
માધ્યમિક આશ્રમ શાળા ચાસવડ ૧.૫ કરોડના ખર્ચે તેમજ નવા શિક્ષણ ભવન ૨.૪૯ કરોડના ખર્ચે બનશે.જેનો લાભ નેત્રંગ સહિત આજુબાજુના તાલુકાના લોકોને મળશે.
આ તકે, સંસ્થાના પ્રમુખ પી.કે. લહેરીએ તથા ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા પણ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. આ તકે, પ્રાકૃતિક ખેતી, બાગાયતી ખેતી પાકો અને આરોગ્ય વનની મુલાકાત લઈ તેમણે તેની કાર્યરીતિની નોંધ લીધી હતી. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સાથે કાર્યરીતિ બાબતે વિગતે ચર્ચા-સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, તાલુકા પ્રમુખ વસુધા વસાવા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, ટ્રસ્ટી ભીમસીભાઈ આહિર, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીઓ, આગેવાન પદાધિકારીઓ, નેત્રંગ તાલુકાના મામલતદાર રીતેશભાઇ કોંકણી, તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને અન્ય સંસ્થાના કર્મીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા


