BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ AHTUની માનવીયતા, અમદાવાદથી ગુમ થયેલા બાળકને શોધી બાપુનગર પોલીસને સોંપ્યો.

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ પોલીસની એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ એક અત્યંત સરાહનીય કામગીરી કરી છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી મળી આવેલા એક ગુમ થયેલા બાળકને શોધી કાઢી, તેનું સાચું સરનામું જાણીને તેને અમદાવાદની બાપુનગર પોલીસને સોંપ્યો છે. આ કામગીરીથી બાળકના પરિવારને મોટી રાહત થઈ છે. આ ઘટનાની શરૂઆત 13 ફેબ્રુઆરીના રોજ થઈ, જ્યારે રેલવે પોલીસને અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી આ બાળક મળી આવ્યો. રેલવે પોલીસે બાળકને કસ્ટડીમાં લઈ તેને કુકરવાડા સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં સુરક્ષિત રીતે મૂક્યો હતો. ત્યારબાદ, જિલ્લા બાળ સુરક્ષા એકમે આ કેસ વધુ તપાસ માટે ભરૂચની AHTUને સોંપ્યો હતો. ભરૂચ AHTUના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ. મહેરીયા અને તેમની ટીમે બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંવેદનશીલતાપૂર્વક આ કેસ હાથ ધર્યો. તેમણે બાળકનું સઘન કાઉન્સેલિંગ કર્યું. આ કાઉન્સેલિંગ દરમિયાન, બાળકે શરૂઆતમાં આપેલા નામથી અલગ પોતાનું સાચું નામ અને અન્ય વિગતો જણાવી. બાળકની વાત પરથી પોલીસને જાણવા મળ્યું કે તેના માતા-પિતાના વિયોગ બાદ ‘મિસ્ત્રી’ નામના એક વ્યક્તિએ તેને અમદાવાદના બાપુનગરમાં રહેતા એક પરિવારને સોંપ્યો હતો. પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ અંગે 15 ફેબ્રુઆરીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 137(2) હેઠળ ગુનો પણ નોંધાયેલો છે. ભરૂચ AHTUની ટીમે બાપુનગર પોલીસનો સંપર્ક કરી સમગ્ર વિગતોની ખરાઈ કરી. પોલીસે સ્પષ્ટ કર્યું કે આ કિસ્સામાં બાળકની ખરીદી કે વેચાણ નથી થયું, પરંતુ તેને દત્તક લેવામાં આવ્યો હતો. ભરૂચ AHTUએ તમામ કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને બાળકને અમદાવાદની બાપુનગર પોલીસને સોંપ્યો છે. આ સફળ કામગીરી બદલ ભરૂચ પોલીસની પ્રશંસા થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!