Rajkot: રાજકોટમાં વરસાદની નુકસાનીનો સર્વે, અસરગ્રસ્તોને સહાય ચૂકવણીની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરશ્રી

તા.૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
નુકસાનીનો સર્વે સત્વરે પૂર્ણ કરીને અસરગ્રસ્તોને તત્કાલ સહાય ચૂકવવા જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીનું ફરમાન
રવિવારે રજાના દિવસે પણ ઓફિસ ચાલુ રાખીને સર્વે-સહાય ચૂકવણીની કામગીરી કરવા આદેશ
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભારે વરસાદના લીધે થયેલી નુકસાનીનો સર્વે તેમજ સહાયની ચૂકવણીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ બાકી રહેલી સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરીને અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી તાત્કાલિક કરવા ફરમાન કર્યું હતું. વરસાદની આપદાને ભૂલીને જનજીવન પુનઃ ધબકતું અને સામાન્ય થઈ જાય તે માટે જિલ્લાના વહીવટી તંત્રે ગતિશીલતા અને સજ્જતા કેળવીને સત્વરે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ સાથે કોઈપણ અસરગ્રસ્ત સહાય વિહોણો ના રહી જાય તે જોવા જણાવ્યું હતું. એટલું જ નહીં, સર્વે તેમજ સહાયની ચૂકવણી માટે જરૂર પડ્યે રવિવારે રજાના દિવસે પણ ઓફિસ ચાલુ રાખીને કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જણાવાયું હતું કે, ગોંડલમાં ૫૬૧ અસરગ્રસ્તોમાંથી ૨૯૭ લોકોને કેશડોલ્સ ચૂકવી દેવાયા છે અને બાકીનાને આજ રાત સુધીમાં ચૂકવી દેવાશે. ઉપરાંત જેતપુરમાં ૪૦, જસદણમાં ૮૮ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવાઈ ગયા છે અને બાકીના અસરગ્રસ્તોને પણ સત્વરે ચૂકવાઈ જશે.
રાજકોટ તાલુકામાં ઘરવખરી નુકસાનના ૩૪ કિસ્સામાં સહાય ચૂકવી દેવામાં આવી છે. શાપર વેરાવળ તેમજ પારડીના વિસ્તારોમાં જઈને કાચા ઝૂંપડાને થયેલા નુકસાન શોધીને અસરગ્રસ્તોને સહાય આપવા સૂચના આપવામાં આવી હતી.
જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં આંશિક પાકા, આંશિક કાચા મકાનોને નુકસાનીનો સર્વે તેમજ સહાય ચૂકવણીની કામગીરી ખૂબ જ ગતિમાં હોવાનું જણાવાયું હતું. રાજકોટ સિટી પ્રાંત-૧ વિસ્તારમાં અસરગ્રસ્તોનો સર્વે થઈ ગયો હોવાનું અને ૫૦૭ લોકોને સહાયની ચૂકવણી ગતિમાન હોવાનું જણાવાયું હતું. લલ્લુડી વોકળીમાં ઘરવખરીને થયેલી નુકસાનીનો સર્વે હાલ ચાલુ છે.
ગોંડલ તાલુકામાં મકાન નુકસાનીનો સર્વે કરીને ૨૮ કિસ્સામાં સહાય પણ ચૂકવી દેવામાં આવી છે. જેની કલેક્ટરશ્રી દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને કામગીરી કરનારા સ્ટાફને બિરદાવ્યા હતા.
ઉપરાંત જિલ્લામાં પશુમૃત્યુ, કેટલશેડ સહિતની અન્ય નુકસાનની સર્વે પૂર્ણ કરીને સહાય ચૂકવણી ત્વરિત ઝડપે કરવા કલેક્ટરશ્રીએ ફરમાન કર્યું હતું.
રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ મકાન વિભાગ હસ્તકના ૧૧ માર્ગોમાંથી આઠ હાલ ચાલુ થઈ ગયા છે અને ત્રણ માર્ગ પર કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન આપીને ચાલુ કરી દેવાયા છે. આ સાથે ત્રણ રોડમાં ખાડા તેમજ અન્ય નુકસાનીનું સમારકામ પૂર્ણ કરી દેવાયું છે, જ્યારે ૪૦ જેટલા રોડમાં રિપેરિંગ કામ તેજગતિએ ચાલી રહ્યું છે.
ભારે વરસાદમાં રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન-પંચાયત વિભાગના ૬૫ રોડ બંધ થયા હતા. જો કે હવે તેમાંથી ૪૫ રોડ ચાલુ થઈ ગયા છે. જ્યારે ૨૦ રોડ શરૂ કરવાની કામગીરી વેગવાન છે. જામનગર હાઈવે પર થયેલી નુકસાનીના રિપેરિંગની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.
આ બેઠકમાં ઈન્ચાર્જ ડી.ડી.ઓ. તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ. કે. વસ્તાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ચેતન ગાંધી, અધિક કલેક્ટર સુશ્રી મહેક જૈન, પ્રાંત-૧ અધિકારી સુશ્રી ચાંદની પરમાર, ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી વિમલ ચક્રવર્તી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ, રાજકોટ પૂર્વ, દક્ષિણ તથા ગ્રામ્ય મામલતદારશ્રીઓ, અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ ઓનલાઈન જોડાયા હતા.





