GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વાપીમાં બે દિવસીય દક્ષિણ ગુજરાત સાહિત્ય ઉત્સવનો શુભારંભ કરાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ભારત સંસ્કૃતિને વરેલો દેશ છે. સાહિત્યકારો, કવિ અને લેખકો જે સર્જન કરે છે તેમાંથી ચરિત્રનું ઘડતર થાય છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

કવિઓના આગમનથી વલસાડ -વાપીની ધરતી પાવન થઈ, બે દિવસ સુધી ગુજરાતી ભાષાનો રસભર્યો થાળ માણવાનો આનંદ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો

પીઢ સાહિત્યકાર મણીલાલ હ. પટેલના ભાવબોધ પુસ્તકનું વિમોચન મંત્રીશ્રીના વરદહસ્તે કરાયું

ગુજરાતી ભાષાનું સંવર્ધન કરનાર સાહિત્યકારોના યોગદાનને બિરદાવવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વાપીના રજ્જુ શ્રોફ ઓડિટોરીયમમાં બે દિવસ “રામની વાડીએ, દક્ષિણ ગુજરાત સાહિત્ય ઉત્સવ’નું આયોજન કરાયુ છે. જેનો ભવ્ય ઉદઘાટન સમારોહ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ભારત સાંસ્કૃતિક વારસો અને વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. દરેક ધર્મ અને જાતિના લોકો આ દેશમાં વસે છે. આઝાદીથી લઈને અત્યાર સુધીમાં આપણો જ દેશ એક માત્ર છે કે, જેણે મેળવેલી આઝાદી ગુમાવી નથી પણ દેશનો વિકાસ કર્યો છે. વર્ષ ૨૦૧૪માં નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યું ત્યારે આપણા દેશનું અર્થતંત્ર વિશ્વમાં ૧૧માં ક્રમે હતું જે અત્યારે ચોથા ક્રમે છે. આપણા વડાપ્રધાનશ્રી પણ લેખક અને કવિ છે. તેમની મહેચ્છા છે કે, આપણો દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધે. પહેલા વન મહોત્સવ હોય કે, રાષ્ટ્રીય પર્વ હોય દરેક ઉત્સવ ગાંધીનગર કક્ષાએ યોજાતા હતા પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ આ તમામ ઉજવણીને જિલ્લા કક્ષા સુધી પહોંચાડી છે તેમ સાહિત્ય અકાદમીની પ્રવૃતિઓની જાણકારી માત્ર મહાનગરો પુરતી સીમિત ન રહેતા રાજ્યના ગામે ગામ સુધી પહોંચી રહી છે.

મંત્રીશ્રીએ કવિઓના આગમનથી વલસાડ અને વાપીની ધરતી પાવન થઈ ગઈ હોવાનું જણાવી આજથી બે દિવસ સુધી ગુજરાતી ભાષાનો રસભર્યો થાળ આપણને મળવાનો છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, આપણો દેશ સંસ્કૃતિને વરેલો છે. સાહિત્યકારો, કવિ અને લેખકો જે સર્જન કરે છે તેમાંથી ચરિત્રનું<span;>ઘડતર થાય છે. ભાષાને કારણે જ આપણને આપણુ ચરિત્ર મળે છે. ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ ભાગ્યેશ ઝાએ સાહિત્યના સંવર્ધન માટે અભૂતપૂર્વ કાર્ય કર્યુ છે અને અત્યારે તેઓ જે કાર્ય કરી રહ્યા છે તે શિરમોર છે.

ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાધવે જણાવ્યું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાહિત્યને જન જન સુધી લઈ જવાનું સ્વપ્ન સેવ્યુ છે. આપણા ગૌરવવંતા સાહિત્યની મશાલ હવે યુવા પેઢીને આપવાની છે. આપણા વિસરાતા જતા વારસાને જીવંત રાખવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી હવે દરેક જિલ્લા તેમજ નગરોમાં જઈ ઉત્સવો યોજી રહી છે. જેમાં પણ ખાસ કરીને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લે તો આપણા વારસાનું સંવર્ધન થશે. આપણી પેઢીમાં સંસ્કારો છે જ જરૂર છે તો માત્ર તેને બહાર લાવવાની. માતૃભાષા એ આપણી મા છે તેને સાચવવાનું કામ આપણે કરવાનું છે. દક્ષિણ ગુજરાતની ધરતીએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મોટા ગજાના સાહિત્યકારો આપ્યા છે. ત્યારે વલસાડ અને વાપીમાં બે દિવસીય આયોજિત રામની વાડીએ દક્ષિણ ગુજરાત સાહિત્ય ઉત્સવમાં ગુજરાતના ખુણે ખુણેથી મૂર્ધન્ય સાહિત્યકારો વલસાડ અને વાપીના આંગણે આવનાર છે. જેનો લ્હાવો લેવો દરેક સાહિત્યપ્રેમી માટે એક ઉત્સવ સમાન ગણાશે.

સાહિત્ય શુ છે? એવા પ્રશ્ન સાથે પોતાના વકતવ્યની શરૂઆત કરનાર પીઢ સાહિત્યકાર મણીલાલ હ.પટેલે જણાવ્યું કે, સાહિત્ય દરેક માણસ માટે છે અને દરેક સુધી પહોંચવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી કાર્યરત છે. પ્રજા જીવનની સંવેદના અને સમસ્યાને અપાર રીતે રજૂ કરવાનું કામ સાહિત્ય કરે છે. સાહિત્ય આપણને એક બિરાદરીમાંથી બીજી બિરાદરીમાં લઈ જાય છે. જીવનની અધૂરપો સાહિત્યમાં મધૂરપો બનીને આવે છે. અંતરનો મેલ ધોવાનું કામ સાહિત્ય કરે છે. ગુજરાત સાહિત્ય અકાદમીને સંવાદ કરવામાં રસ હોવાથી સૌને સાહિત્ય સાથે જોડાવા માટે પ્રેરણા આપે છે. આપણા સાહિત્યકારોની નવલકથાઓમાં પણ નોબલ પ્રાઈઝ મેળવવાની તાકાત છે. જરૂર છે તેમને પ્લેટફોર્મ આપવાની અને આ કામ ગુજરાત સાહિત્ય અકાદમી સુપેરે કરી રહ્યુ છે તે વાતનો આનંદ છે.

ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ અને નિવૃત્ત આઈએએસ અધિકારીશ્રી ભાગ્યેશ ઝા એ સંસ્કૃત ભાષામાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી ઉદબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાહિત્યનો ઘરે ઘરે સુધી પ્રચાર પ્રસાર થાય અને આપણો ગૌરવવંતો વારસો જળવાઈ રહે તે માટે સ્વપ્ન સેવ્યુ છે. તેમના સ્વપ્ને સાકાર કરવા માટે સાહિત્ય અકાદમી રાજ્યના ખુણે ખુણે ભ્રમણ કરી સાહિત્યનો વારસો જળવાય રહે તે માટે પ્રયાસ કરી રહી છે. જેના ભાગ રૂપે જ વલસાડ અને વાપીમાં બે દિવસીય દક્ષિણ ગુજરાત સાહિત્ય ઉત્સવ ઉજવાય રહ્યો છે. ગુજરાતી ભાષા આપણી મા છે. હિન્દી ભાષા આપણી માસી છે, સંસ્કૃત ભાષા આપણી દાદી મા છે અને અંગ્રેજી ભાષાએ વિદુષી નારી છે. જેથી આપણને આપણી મા સમાન ગુજરાતી ભાષાનું ગૌરવ અને અભિમાન હોવુ જ જોઈએ. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સ્પષ્ટ નિર્ધાર છે કે, રાજ્યમાં ઉર્દુ, સંસ્કૃત, હિન્દી કે ઈંગ્લિશ માધ્યમની સ્કૂલ ભલે હોય પણ ગુજરાતી ભાષા તો ફરજિયાત ભણાવવી જ પડશે. વિકાસની સાથે વિરાસતનું જતન કરવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે. આગામી દિવસોમાં ગરબા, ભજન, નાટક અને કવિ સંમેલન સંસ્કૃત ભાષામાં યોજવાનું સાહિત્ય અકાદમી આયોજન કરી રહી છે. આખા દેશમાં ગુજરાતનું સાહિત્ય અકાદમીનું મકાન રૂ. ૨૦ કરોડની માતબર રકમના ખર્ચે બન્યુ છે જેને જોવા માટે અન્ય રાજ્યના સાહિત્યપ્રેમીઓ તેમજ જે તે રાજ્ય સરકારના પ્રતિનિધિઓ આવે છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સંશોધન કરવા માટે પ્રથમવાર માતબર રકમ ફાળવવામાં આવી છે. આપણા સાહિત્યકારોની કલા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તે માટે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી તત્પર છે. આ પ્રસંગે સાહિત્યકાર મણીલાલ હ. પટેલ દ્વારા લિખિત અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત “ભાવબોધ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યુ હતું. આ સિવાય ગુજરાત સાહિત્ય અકાદમીના વિકાસની ડોક્યુમેન્ટરી અને વલસાડ શહેરમાં વહેલી સવારે નીકળેલી પ્રભાતફેરીની રિલ્સ પણ બતાવવામાં આવી હતી. સાહિત્યકાર મણીલાલ હ. પટેલે “બા ની સાથે ગયુ બાળપણ, ગામ જવાની હઠ છોડી દે…”. વાપીના કવિ હેમાંગ દેસાઈએ “બધુ સારૂ જ બનતુ હોત તો કેવી મજા પડતે…” અને ભાગ્યેશ ઝા એ “અમે તો એક્ટિવિસ્ટો…” કવિતા રજૂ કરતા સમગ્ર માહોલમાં તાજગી પ્રસરી ગઈ હતી.

આ પ્રસંગે વાપી વીઆઈએના પ્રમુખ સતિષ પટેલ, વાપી શહેર પ્રમુખ મનિષ દેસાઈ, દમણ સરકારી કોલેજના આચાર્ય સંજયકુમાર, વલસાડ પુસ્તક પરબ સંસ્થાના પ્રણેતા ડો.આશાબેન ગોહિલ તેમજ મોટી સંખ્યામાં સાહિત્યકારો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દમણ સરકારી કોલેજના પ્રો. ડો.ભાવેશ વાળાએ કર્યુ હતું.

Back to top button
error: Content is protected !!