Upleta: કેન્દ્રીય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ઉપલેટા ખાતે રૂ. ૪૬ કરોડના ખર્ચે થનારા વિકાસ પ્રકલ્પોનો ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

સરકારના વિકાસ પ્રકલ્પોનો સરવાળો એટલે જનતાની સેવા, સુખાકારી અને સુવિધા, જેનાથી વિકસિત ભારતની સંકલ્પનાને ચોક્કસપણે ચરિતાર્થ કરી શકીશું: કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયા
ઉપલેટા મહેસુલ સેવા સદન, ઉપલેટા અને ધોરાજીમાં બસ સ્ટેશનનું નિર્માણ તેમજ ઉપલેટા-પાટણવાવ રોડ પર રિવર બ્રિજનું રીકન્સ્ટ્રક્શન કરાશે
Rajkot, Upleta: ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતા અને ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉપલેટા શહેર ખાતે રૂ. ૪૬૫૧.૪૪ લાખના ખર્ચે થનારા વિકાસ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ જેતપુર માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ. ૬૧૨.૨૩ લાખના ખર્ચે નિર્માણ પામનારા ઉપલેટા મહેસુલ સેવા સદન તથા જૂનાગઢ એસ.ટી. ડેપો હેઠળ અંતર્ગત રૂ. ૭૮૦.૮૮ લાખના ખર્ચે બનનારા ઉપલેટા બસ સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું. તેમજ જૂનાગઢ એસ.ટી. ડેપો હેઠળ અંતર્ગત રૂ. ૮૦૯.૦૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા ધોરાજી બસ સ્ટેશન અને રૂ. ૨૪૪૯.૨૫ લાખના ખર્ચે ઉપલેટા – પાટણવાવ રોડ પર રિવર બ્રિજના રીકન્સ્ટ્રક્શનનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે આ વખતે રાજકોટ જિલ્લામાં બે દિવસના પ્રવાસ દરમિયાન અંદાજે રૂ. ૫૦ કરોડથી વધુ વિકાસકામોના શિલાન્યાસ-લોકાર્પણ થયા છે, જે દર્શાવે છે કે ઉપલેટા–ધોરાજી વિસ્તાર પ્રગતિના પંથે છે. ગુજરાત સરકારના જનપ્રતિનિધિઓ અને જાહેર સેવકો જનતાની સેવા માટે સમર્પિત છે. પ્રજાના વિશ્વાસને અકબંધ રાખવા સરકાર જવાબદારીપૂર્વક ફરજ નિભાવી રહી છે. સરકારના વિકાસ પ્રકલ્પોનો સરવાળો એટલે જનતાની સેવા, સુખાકારી અને સુવિધા.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ઝડપથી બદલાતા સમયની સાથે તાલ મિલાવવા સરકાર પણ આગેકદમ કરી રહી છે. જાહેર સ્થળોના ઇનફાસ્ટ્રક્ચર આધુનિક બની રહ્યા છે અને પ્રાથમિક સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે ‘ગુડ ગવર્નન્સ’નો અભિગમ અપનાવ્યો છે. સરકારી કામગીરીની ગુણવત્તા વધુ સારી બની છે, કાનૂન વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવે છે, યોજનાકીય લાભો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રીના વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવાના સપનાને સાકાર કરવા સરકાર તો પ્રયત્નશીલ છે જ, પરંતુ આવશ્યકતા છે જનભાગીદારીની. નાગરિકો કર્તવ્યનું નિર્વહન નિષ્ઠાથી કરશે તો વિકસિત ભારતની સંકલ્પનાને ચોક્કસપણે ચરિતાર્થ કરી શકીશું.
ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ ઉદ્બોધન કર્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર જનહિતાર્થે વિવિધ વિકાસ કાર્યો કરવા પ્રયાસશીલ છે, જેનો ઉપલેટા–ધોરાજી પંથકની પ્રજાને પણ અનુભવ થયો છે. સૌના વિકાસના ધ્યેય સાથે સરકાર કામ રહી છે. ત્યારે આગામી દિવસોમાં પણ આ વિસ્તારની પ્રગતિ થતી રહેશે.
આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. વી. પી. ઘેટીયા હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. પ્રાંત અધિકારીશ્રી એન. એમ. તરખાલાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ અગ્રણીશ્રી ચંદુભાઈ ભીંભાએ આભારવિધિ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઉપલેટા અને ધોરાજીમાં બનનારા નવીન બસ સ્ટેશન આધુનિક સુવિધાથી સજ્જ હશે. જેમાં વેઇટિંગ હોલ, કેન્ટીન, બેબી ફીડિંગ રૂમ, રેસ્ટ રૂમ, શૌચાલય સહિતની સગવડ હશે.
આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખશ્રી વર્ષાબેન ગજેરા, ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન હુંબલ, ઉપલેટા મામલતદારશ્રી એન. એચ. મહેતા, સી.આર.સી. કો–ઓર્ડીનેટરશ્રી પ્રવીણભાઈ ગજેરા, અગ્રણીઓ શ્રી રેખાબેન સિણોજીયા, શ્રી જયેશભાઈ ત્રિવેદી સહિત અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
માર્ગી







