
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં સાબરડેરી સામે પશુપાલકોનો સાતમા દિવસે પણ ઉગ્ર વિરોધ યથાવત : ૬૬ દૂધ મંડળીઓના ચેરમેન, સેક્રેટરી અને અનેક પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં સાબરડેરી દ્વારા જાહેર કરાયેલા ભાવફેર સામે પશુપાલકોનો વિરોધ આજે સાતમા દિવસે પણ યથાવત રહ્યો છે. જિલ્લાભરના પશુપાલકો હવે આંદોલનથી સંગઠન તરફ આગળ વધ્યા છે. મોડાસા તાલુકાના સજાપુર અને ટીંટીસર ખાતે આજે એક મોટી બેઠક યોજાઈ હતી જેમાં મોડાસા અને ધનસુરા વિભાગની કુલ ૬૬ દૂધ મંડળીઓના ચેરમેન, સેક્રેટરી અને અનેક પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં પશુપાલકોએ મુખ્ય રીતે બે માંગણીઓ ઉઠાવી દૂધના ભાવ કિલો ફેટના આધારે ન આપીને સીધો ૨૦ ટકા નફો આપવામાં આવે.તાજેતરના વિરોધ દરમિયાન અટકાવવામાં આવેલા ૭૪ પશુપાલકોને બિનશરતી મુક્ત કરવામાં આવે.પશુપાલકોનું કહેવું છે કે હાલનો ભાવફેર નિષ્ફળ રહ્યો છે અને ઉત્પાદન ખર્ચ કરતા મળતો ભાવ ઘણો ઓછો છે, જેના કારણે તેઓને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ અરવલ્લી જિલ્લામાં ૮૦ ટકા કરતાં વધુ દૂધ મંડળીઓ બંધ છે, જેના કારણે દૂધ સપ્લાય ઠપ થઈ ગયો છે.દૂધનો વેડફાટ ન થાય તે માટે કેટલાક ગામોમાં દૂધ શાળા બાળકોમાં વિતરણ કરવાની કામગીરી સ્થાનિક સ્તરે હાથ ધરાઈ છે.હવે જોવાનું રહ્યું કે સાબરડેરી અને સરકાર પશુપાલકોની માંગણીઓ માટે શું પગલાં લે છે અને આ સંઘર્ષ કઈ દિશામાં આગળ વધે છે.





