અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
નવા વર્ષમાં જિલ્લામાં સફાઈ જાળવવા જિલ્લા વિકાસ અધિકારીની નવી પહેલ,અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે શરૂ કરવામાં આવ્યો સ્વચ્છતા કંટ્રોલ રૂમ
સામાન્ય માણસને હંમેશા ફરિયાદ સતાવતી હોય છે કે અમારા ઘરની પાસે કે વિસ્તારમાં ગંદકી છે પણ અમે કોને જાણ કરીએ તો તે સ્થળે સફાઈ થઈ જશે…આ જ ફરિયાદને પ્રેરણાસ્ત્રોત બનાવી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના પ્રસ્તાવ હેઠળ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ વિવિધ સમિતિઓના ચેરમેનઓ, અન્ય સદસ્ય ઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરતા, સૌ ચુંટાયેલા પદાધિકારીઓ દ્વારા સદર બાબત આવકારદાયક જણાવતા , તેમના સૂચનો મેળવી, એક પહેલના ભાગરૂપે જિલ્લા પંચાયત અરવલ્લી ખાતે સ્વચ્છતા કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત વોટસએપ નંબર 8238331515 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર કોઈ પણ વ્યક્તિ જે સ્થળે ગંદકી હોય તેના ફોટો અને એડ્રેસ મોક્લી શકશે. અને આ મળેલી માહિતી પર કન્ટ્રોલરૂમ માંથી જરૂરી આનુષાંગિક કાર્યવાહી કરી ગંદકીનો શક્ય તેટલી ઝડપથી નિકાલ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતાના થીમ સામે દેશમાં શરૂ થયેલ સ્વચ્છતા હી સેવા અભિયાન માત્ર પખવાડિયા પૂરતું સીમિત ન બનતા સ્વચ્છતા આપણા સંસ્કાર બને – સ્વચ્છતા આપણો સ્વભાવ બને તેવા ઉચ્ચ હેતુથી જીલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શનમાં આપણા ગામ અને શહેરને સ્વચ્છ બનાવી જિલ્લા અને રાજ્યને-દેશને સ્વચ્છ બનાવવાના સંકલ્પથી અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છતા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે.
છેલ્લા ૨ મહિનાથી આ સ્વચ્છતા કંટ્રોલ રૂમની તૈયારીઓ કરવામાં આવી હતી. તૈયારીના ભાગ રૂપે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને જોડી એક આ વોટસએપ ગ્રુપમાં ગંદકી અંગે ફોટા મંગાવી તેના નિકાલની પ્રક્રિયા કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લામાંથી મળેલી કુલ ૨૫૧ રજૂઆત પૈકી ૧૭૬નો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મોડાસા નગરપાલિકાના આસપાસના ગામડાઓમાં ન્યુસન્સ પોઇન્ટ ( એવી જગ્યાઓ જ્યાં વારંવાર કચરો નાખવામાં આવ્યો હોય) ત્યાં CCTV કેમેરા લગાવી યોગ્ય દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારીએ લોકોને આ સફાઈના અમૂલ્ય કામમાં પોતાની લોકભાગીદારી નોંધાવવા વિનંતી કરી છે. તેમણે પોતાની વાતચીતમાં આ કામગીરીમાં આવતી મુશ્કેલીઓ અંગે પણ જણાવ્યું અને ભવિષ્યમાં જિલ્લાને સ્વચ્છ બનાવવાની ઉમદા આશા પણ વ્યક્ત કરી છે.