
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગિરિમથક સાપુતારાનાં પ્રવાસે આવેલા એક પરિવારને ચોરીનો કડવો અનુભવ થયો છે.રિત્વિક સુનિલ ટિબડેવાલ નામના ફરિયાદીએ આપેલી માહિતી અનુસાર, તેમની મારુતિ બ્રેઝા કારમાંથી અજાણ્યા ચોર ઈસમો કુલ ₹3,45,500 ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા છે.રિત્વિક સુનિલ ટિબડેવાલ( ઉંમર 28 )વ્યવસાયે વેપારી છે.અને તેઓ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવના રહેવાસી છે. તેમની પત્નીનું નામ પૂજાબેન રિત્વિક ટિબડેવાલ છે. ત્યારે રિત્વિક ટિબડેવાલ તેમના માતા-પિતા અને પત્ની સાથે 09/08/2025 ના રોજ વહેલી સવારે નાશિકના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે પોતાની મારુતિ સુઝુકી બ્રેઝા ફોરવ્હીલ ગાડી (નં. MH-28-BQ-5884) લઈને નીકળ્યા હતા. ઘરમાં કોઈ રોકાયેલ ન હોવાથી, તેઓ ઘરેણાં અને રોકડ રકમ સાથે લઈ આવ્યા હતા.ત્રંબકેશ્વરથી પરત ફરતા, તેમના મામા-માસી અને બહેનનો પરિવાર પણ તેમની સાથે સપ્તશૃંગી ગઢ માતાજીના દર્શન કરવા માટે જોડાયો હતો. ત્યાંથી તેઓ 10/08/2025 ના રોજ સવારે સાપુતારા ફરવા આવ્યા હતા.ત્યારે બપોરે આશરે એક વાગ્યે, સાપુતારા ટેબલ ટોપ પોઈન્ટ પર જતા રસ્તામાં ઢાળમાં ગાડી ચડતી ન હોવાથી, તેઓએ પોતાની ગાડી પાણીની ટાંકીથી આગળ રોડની સાઈડમાં પાર્ક કરી હતી.ગાડીના બધા કાચ બંધ કરી અને ગાડી લોક કરીને તેઓ બધા ચાલતા-ચાલતા ટેબલ ટોપ પોઈન્ટ પર ફરવા ગયા હતા. સાંજે પોણા છ વાગ્યે તેઓ લેકવ્યુ હોટલમાં ચા-નાસ્તો કરીને પરત ફર્યા, ત્યારે તેમને પોતાની ગાડીનો પાછળનો ડાબી બાજુનો દરવાજાનો કાચ ખુલ્લો જોવા મળ્યો હતો. ગાડીની ડેકીમાં રાખેલ પાંચ બેગ ગુમ હતી.જેમાં સોનાનો નેકલેસ આશરે સાડા ત્રણ તોલા જેની કિંમત ₹1,22,500 તથા સોનાનું મંગળસૂત્ર આશરે સવા બે તોલા જેની કિંમત ₹1,18,000 /- તથા સોનાની કાનની બુટ્ટી આશરે ચાર ગ્રામ જેની કિંમત ₹20,000/- તથા રોકડ રકમ: ₹35,000 /- તથા લેપટોપ લેનોવો થિંકપેડ T14 જેની કિંમત ₹50,000/- એમ મળી કુલ કિંમત ₹3,45,500 ની ચોરી થઈ હતી. આ ઘટના અંગે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ, અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ સાપુતારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..




