
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેનની રજુઆત રંગ લાવી, ૧૪ વર્ષે ૮૧ ખેડુતોને જમીનનું વળતર મળ્યું
રાજપીપળા : જુનેદ ખત્રી
નાંદોદ તાલુકાના ૧૦ ગામના આશરે ૮૦ થી વધારે ખેડુતો જમીનના વળતર માટે રજુઆતો કરી રહ્યા હતા. ત્યારે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની રજુઆત બાદ એ તમામ ખેડુતોને ૧૪ વર્ષે જમીનનું વળતર મળ્યું છે. નાંદોદ અને ગરુડેશ્વર વિસ્તારના ખેડુતોને સિંચાઈ માટે પાણીની તક્લીફ ન પડે એ માટે સરકારે કરજણ જળાશય જમણા કાંઠા હાઈલેવલ રિચાર્જ કેનાલ બનાવી હતી. એનાથી પાણીની સમસ્યા તો હલ થઈ પણ કેનાલ બનાવવા જે ખેડુતોની જમીન ગઈ એનું વળતર ખેડૂતોને મળ્યું ન હતું. ખેડુતો છેલ્લાં વાવડી, મોટા રાયપરા, વેલછંડી, જુનવદ, સમારીયા, શાકવા, મોટાઆંબા, ઉમરવા જોષી, ભીલવશી અને ગોરા ગામના ખેડૂતો પોતાની જમીનનું વળતર મેળવવા માટે અનેક વાર રજુઆતો અને આંદોલન પણ કરી ચૂક્યા છે. અંતે ખેડુતોએ નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખને રજુઆત કરતા દર્શનાબેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી કુંવરજી બાવળિયાને રૂબરૂ મળી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.અંતે સરકારે એ તમામ ૮૧ ખેડુતોને મળીને ૮ કરોડ રૂપિયા જમીનનું વળતર ચુકવવા નિર્ણય કર્યો હતો. રાજપીપળા સ્થિત કરજણ સિંચાઈની કચેરી ખાતે નાંદોદ ધારાસભ્ય ડો.દેશમુખે તમામ ખેડુતોને જમીનની વળતરના ચેકનુ વિતરણ કર્યું હતું. આમ ૧૪ વર્ષે ખેડુતોના વણઉકલેલા પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું.





