ચૂંટણી ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનને શ્રદ્ધા સુમન પાઠવતા જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખ
સ્વ.શ્રી ગુલાબભાઈ રાઠવાના પત્નીને રૂપીયા ૧૫ લાખ નો ચેક અર્પણ કરાયો
સહાયની રકમનો બાળકોના અભ્યાસમાં જ ઉપયોગ કરવા જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ
છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માં છોટાઉદેપુરના લીંબાણી ગામના શ્રી ગુલાબભાઈ રાઠવા હોમગાર્ડ તરીકે ચૂંટણી ફરજ પર હતા, જે દરમિયાન તેમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ચૂંટણી પંચના નિયમોનુ સાર ચૂંટણી ફરજ દરમિયાન કોઈ કર્મી મૃત્યુ પામે તો તેના પરિવારને સહાય ચુકવવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલિયાએ સંવેદન શીલતા સાથે તુરંત જે ઘટતી કાર્યવાહી કરાવીને સ્વ.શ્રી ગુલાબભાઈ રાઠવાની સહાય મંજુર કરાવી હતી.જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખસ્વ.શ્રી ગુલાબભાઈ રાઠવાના ઘરની મુલાકાત લઈ તેમના પરિવારને આશ્વાસન આપ્યું હતું, તેમજ સ્વ.શ્રી ગુલાબભાઈ રાઠવાને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા.
આ તકે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ સ્વ.શ્રી ગુલાબભાઈ રાઠવાના પત્ની શ્રી મંજુલા બેન રૂપીયા ૧૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. શ્રી ધામેલિયાએ મંજુલા બેનને સહાયની રકમનો બાળકોના અભ્યાસ માટે જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.બી.ચૌધરી, ચૂંટણી શાખા તથા પોલીસ અધિકારી-કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર