આજે નવસારીના વાંસી-બોરસી ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી થશે
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની ૨૫ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂપિયા ૪૫૦ કરોડથી વધુની સહાય અર્પણ કરવા સહિત જી-સફલ અને જી-મૈત્રી યોજનાનું લોકાર્પણ કરાશે*
*૩૩ જિલ્લાની સખી મંડળોના સ્ટોલ અને નવસારી જિલ્લાનો વિશેષ રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટની પ્રદર્શની આકર્ષણનું કેન્દ્ર બનશે*
આજે ૦૮મી માર્ચ-૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે સવારે ૧૦.૩૦ વાગે કલાકે પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. ગુજરાત લાઈવલીફૂડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આયોજિત લખપતિ દીદી સંમેલન સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માન કરવાનો અનેરો મહોત્સવ છે. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની ૨૫ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂપિયા ૪૫૦ કરોડથી વધુની સહાય અર્પણ કરાશે. આ ઉપરાંત *જી-સફલ*- બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને ૧૩ મહત્વાકાંક્ષી તાલુકાઓમાં અંત્યોદય પરિવારોની સ્વ-સહાય જૂથની મહિલાઓને આજીવિકાલક્ષી પ્રવૃતિઓ અંતર્ગત નાણાંકીય સહાય માટેની યોજના અને *જી-મૈત્રી* ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાંકીય સહાય અને માર્ગદર્શન માટેની યોજના લોકાર્પણ કરાશે.
<span;>આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જલ શક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટીલ, નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ સાથે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની ૧ લાખથી વધુ મહિલાઓની જનમેદની આ કાર્યક્રમમાં જોડાશે. ઉપરાંત ૩૩ જિલ્લાના વિશેષ સખી મંડળોના સ્ટોલ પ્રદર્શન અને નવસારી જિલ્લાનો વિશેષ રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટની પ્રદર્શની કરાશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સહભાગી થવા મુખ્ય સચિવશ્રી, ગુજરાત સરકાર અને નવસારી જિલ્લા તંત્ર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.