ચોરીની એક્ટિવા સાથે ચોર ઝડપાયો:ભરૂચ પોલીસે બે ચોરીના મોપેડ સાથે એક શખ્સને પકડ્યો, બે ગુના ઉકેલાયા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે ચોરીના બે એક્ટિવા મોપેડ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી મોપેડ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત 2 ઓક્ટોબરે સ્ટેચ્યુ પાર્ક નજીક આવેલા સ્ટેચ્યુ ગાર્ડન સામેથી GJ-16-DD-4914 નંબરની એક્ટિવા મોપેડ ચોરાઈ હતી. ત્યારબાદ 15 ઓક્ટોબરે આર.કે. સિનેમા પાસે બ્લ્યુ ચીપ કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી GJ-16-BL-4785 નંબરની બીજી એક્ટિવા ચોરી થઈ હોવાની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
પોલીસે આ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે “વિશ્વાસ પ્રોજેક્ટ” હેઠળ શહેરમાં લગાવવામાં આવેલા સ્માર્ટ કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન, ચોરી કરેલી એક્ટિવા પર એક શખ્સ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરતો જોવા મળ્યો હતો.
સર્વેલન્સ ટીમે આ શખ્સની હિલચાલના આધારે શ્રવણ ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી. વોચ દરમિયાન, આછા ગુલાબી રંગની ટી-શર્ટ અને પેન્ટ પહેરેલો એક શખ્સ ચોરી કરેલી એક્ટિવા સાથે મઢુલી સર્કલ તરફ જતો દેખાતા પોલીસે તેને ઝડપી લીધો.
પોલીસે તેની પૂછપરછ કરતા તેની ઓળખ વિરેન્દ્રગીરી અરવિંદગીરી ગૌસ્વામી (ઉંમર 45 વર્ષ, રહે એ/903, તુલસી હોમ્સ, શ્રવણ ચોકડી, ભરૂચ) તરીકે થઈ હતી. તેની પાસેથી ચોરી કરેલી બંને એક્ટિવા મળી આવી હતી, જેની કુલ કિંમત આશરે રૂ.60,000 આંકવામાં આવી છે.
આ મામલે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ બે ગુના નોંધીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સફળ કાર્યવાહીથી શહેરમાં વાહન ચોરીના બનાવો પર અંકુશ મેળવવામાં મદદ મળશે.




