CVM યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ સંપન્ન: ૨૭૮૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત

CVM યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ સંપન્ન: ૨૭૮૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત
તાહિર મેમણ – આણંદ – 11/01/2026 – વિદ્યાનગરની સંસ્થાઓ માત્ર શિક્ષણ નહીં પણ ચારિત્ર્યવાન નેતાઓનું ઘડતર કરે છે: જેસીબી ઈન્ડિયાના CEO દીપક શેટ્ટી વલ્લભ વિદ્યાનગર: ચારુતર વિદ્યામંડળ સંચાલિત CVM યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ને શનિવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે વિદ્યાનગરના સીવીએમ શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ શૈક્ષણિક મહોત્સવમાં જેસીબી (JCB) ઈન્ડિયા લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીપક શેટ્ટીએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે સી.ઝેડ. પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના ચીફ પેટ્રન શ્રી સી. ઝેડ. પટેલે હાજરી આપી હતી.
૨૭૮૮ તેજસ્વીઓને પદવી: દીકરીઓએ સુવર્ણ સિદ્ધિમાં મેદાન માર્યું
આ પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ ૨૭૮૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં ૧૯૭૮ યુવકો અને ૮૧૦ યુવતીઓનો સમાવેશ થાય છે. શૈક્ષણિક આંકડા મુજબ ૨૧૭૮ વિદ્યાર્થીઓ સ્નાતક (UG), ૫૪૭ વિદ્યાર્થીઓ અનુસ્નાતક (PG) અને ૬૩ સંશોધકોને પીએચ.ડી. (Ph.D.) ની પદવી એનાયત કરાઈ હતી. મેધાવી વિદ્યાર્થીઓની તેજસ્વીતાને બિરદાવવા માટે કુલ ૪૩ ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. જેમાં ૦૮ ફેકલ્ટી ગોલ્ડ મેડલ પૈકી ૦૬ મેડલ દીકરીઓએ મેળવીને મેદાન માર્યું હતું. વિશેષ નોંધનીય છે કે ૩ વિદ્યાર્થીઓએ ડબલ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા, જેમાં પણ ૨ દીકરીઓનો સમાવેશ થાય છે. આ મેડલ વિવિધ ૩૦ દાતાઓ તરફથી પ્રદાન કરવામાં આવ્યા છે.
નોકરી શોધનારા નહીં પણ ‘ઇમ્પેક્ટ’ ઊભો કરનાર બનો: દીપક શેટ્ટી
મુખ્ય અતિથિ શ્રી દીપક શેટ્ટીએ જણાવ્યું હતું કે, CVM યુનિવર્સિટી સરદાર પટેલના એવા વિઝન પર કાર્યરત છે જે માત્ર સંસ્થાઓ નહીં પણ ચારિત્ર્યવાન નેતાઓ તૈયાર કરવામાં માને છે. તેમણે પોતાની BVM થી JCB ઈન્ડિયા સુધીની સફળ સફરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અહીં મળેલું શિક્ષણ માત્ર એન્જિનિયરિંગ પૂરતું સીમિત નથી, પરંતુ તે સમસ્યા ઉકેલવાની દૃષ્ટિ અને સેવાની ભાવના શીખવે છે. તેમણે સ્નાતકોને ‘નોકરી શોધનાર’ ને બદલે ‘ઈમ્પેક્ટ (પ્રભાવ) ઊભો કરનાર’ બનવા આહ્વાન કર્યું હતું. સંસ્કૃત સુભાષિત દ્વારા તેમણે સમજાવ્યું હતું કે પુસ્તકમાં રહેલી વિદ્યા જો યોગ્ય સમયે અમલમાં ન મુકાય તો તે નિરર્થક છે, માટે હંમેશા ‘બિલ્ડર’ બનીને જ્ઞાનને કર્મમાં બદલવું જોઈએ.
શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન એ જ અમારું લક્ષ્ય: શ્રી મેહુલ પટેલ
ચારુતર વિદ્યામંડળના માનદ સહમંત્રી શ્રી મેહુલ પટેલે જણાવ્યું હતું કે: “CVM યુનિવર્સિટી માત્ર પદવીઓ એનાયત કરવામાં જ નહીં, પરંતુ રાષ્ટ્રનિર્માણ માટે સક્ષમ અને ચારિત્ર્યવાન નાગરિકો તૈયાર કરવામાં માને છે. આ તૃતીય પદવીદાન સમારોહ એ અમારા વિદ્યાર્થીઓની મહેનત અને ફેકલ્ટીના માર્ગદર્શનનું સુખદ પરિણામ છે. ખાસ કરીને દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવીને સાબિત કર્યું છે કે તેઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે.”
સફળતાના ચાર મંત્રો
શ્રી દીપક શેટ્ટીએ વિદ્યાર્થીઓને બદલાતા ડિજિટલ યુગમાં સફળ થવા માટે ચાર મુખ્ય મંત્રો આપ્યા: ૧. પરિવર્તન સાથે બદલાવાની ક્ષમતા, ૨. સતત શીખતા રહેવાની વૃત્તિ, ૩. નેતૃત્વ માટે વિશ્વાસ કેળવવો અને ૪. મુશ્કેલીઓ સામે ટકી રહેવાની શક્તિ.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ચારુતર વિદ્યામંડળના પદાધિકારીઓ અને યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજિત પટેલ તથા રજિસ્ટ્રાર ડૉ. સંદીપ વાલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.





