
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
પ્રાથમિક શિક્ષક બનવા આતુર પીટીસીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત : ટેટ-૧ પરીક્ષામાં બેસવા દેવાની માંગ સાથે સરકાર સમક્ષ આવેદન
રતાડીયા, તા. ૩ : ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની પૂરતી સંખ્યા જળવાઈ રહે અને યુવા પેઢીને શિક્ષક તરીકે કારકિર્દી બનાવવાની તક મળી રહે તે માટે એક મહત્ત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષક તાલીમ અભ્યાસક્રમ (પી.ટી.સી. અથવા ડી.એલ.એડ.)ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આગામી શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ-૧) ડિસેમ્બર ૨૦૨૫ની પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રીને રતાડીયા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કર દ્વારા આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અગાઉ ૨૦૨૩ની ટેટ-૧ પરીક્ષાનું પરિણામ માત્ર ૪% જેટલું નીચું આવ્યું હતું જે સ્પષ્ટ દર્શાવે છે કે રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષકોની ભરતી માટે વધુ ઉમેદવારોને તક આપવી અત્યંત જરૂરી છે.
આ ઉપરાંત અગાઉના અનુભવોને ધ્યાને રાખીને સરકારે પરીક્ષામાં જે સુધારા કર્યા છે તે પ્રશંસનીય છે. ખાસ કરીને અગાઉ ૯૦ મિનિટમાં ૧૫૦ પ્રશ્નોના ઉત્તર આપવા પડતા હતા જ્યારે હવે સમય વધારીને ૧૨૦ મિનિટ (૨ કલાક) કરાયો છે અને પ્રશ્નો ૧૫૦ યથાવત છે. અને અભ્યાસક્રમ પણ ધોરણ ૧ થી ૫ને અનુરૂપ રાખવામાં આવ્યું છે જે યોગ્ય દિશામાં લીધેલુ પગલું ગણાવી આભાર વ્યક્ત કરતા આ નિર્ણયને કારણે ઉમેદવારોને દરેક પ્રશ્ન માટે પૂરતો સમય મળશે અને તેઓ તમામ પ્રશ્નોના ઉત્તર આપી શકશે જેનાથી સફળતાનો દર પણ વધશે એવું પત્રમાં જણાવવામાં આવ્યું છે.
પી.ટી.સી.ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં બેસવા દેવાનો નિર્ણય તેમના ભવિષ્ય માટે વરદાનરૂપ સાબિત થશે. તેમની મહેનત ફળશે અને તેઓ સમયસર શિક્ષકની નોકરી મેળવીને દેશ અને રાજ્યના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકશે. આ નિર્ણય શિક્ષક પરિવારના કલ્યાણ સાથે સ્ત્રી કેળવણી અને સશક્તિકરણ માટે એક પ્રોત્સાહક પગલું બની રહેશે. અંતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર નિર્માણના વિઝનને આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રીને આ સંવેદનશીલ બાબતે સકારાત્મક વિચારણા કરીને પી.ટી.સી.ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને શરતોને આધીન ટેટ-૧ પરીક્ષા આપવાની તક આપીને યુવાનોના ભવિષ્ય અંગે ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવા માટે વિનંતી કરવામાં આવી છે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com


