વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વડનગર
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના વરદ હસ્તે વડનગર તાલુકાના ત્રાંસવાડ ગામે મનરેગા યોજના અંતર્ગત ₹ 17 લાખના ખર્ચે નવ નિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ ગ્રાન્ટના થયેલા રૂપિયા 97.43 લાખના વિવિધ વિકાસ કામો પણ લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
મા અંબાજી સંસ્થાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ,ગામડાઓમાં શહેરની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે સરકાર સક્રિય છે. ભાગ્યે જ વિકાસનું એવું કામ હશે જે ત્રાંસવાડ ખાતે કરાયું નહીં હોય. આ તકે મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે,” છેવાડાના અને ગ્રામ્ય સ્તરના ગામોમાં નાગરિકોની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા માટે સરકાર સંકલ્પબધ્ધ છે .તેમણે ગામની વિકાસની વાતો રજૂ કરીને અગ્રણીઓના વિકાસકામોમાં પ્રયત્નોને બિરદાવ્યા હતા. તેમજ આ ગામમાં વધારે સંગઠન અને સહકારથી વિકાસ થયો છે તે બાબતે પણ સૌને ધન્યવાદ અર્પણ કર્યા હતા. આરોગ્ય મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે મનરેગા યોજના અંતર્ગત ગ્રામ પંચાયતો વિકાસ પામી રહી છે તેમાં ત્રાંસવાડ ગ્રામ પંચાયત સર્વપ્રથમ છે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ મહિલાદિનના અભિનંદન સૌને પાઠવ્યા હતા તેમજ વિકાસમાં મહિલાઓનું યોગદાન નોંધનીય છે એમ પણ ઉમેર્યું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે મનરેગા યોજના અંતર્ગત ગ્રામ સચિવાલયનું ગ્રામ પંચાયત બન્યું છે. જેમાં સંપૂર્ણ સુવિધાઓ છે તે બાબતને બિરદાવી હતી અને મનરેગા યોજના અંતર્ગત 80 ગામો પૈકી પ્રથમ આ ગ્રામ પંચાયતનું લોકાર્પણ આરોગ્ય મંત્રીએ કર્યું છે એ બાબતે ગ્રામજનોને અભિનંદન પાઠવા હતા.
પંચાયત ઘરમાં ઈ- સરકારથી આંગળીના ટેરવે વિકાસ કામો થઈ રહ્યા છે તેમજ ગ્રામ પંચાયતોના ખાતામાં સીધી વિકાસ ગ્રાન્ટો જમા થતા વિકાસકામો ઝડપી અને સમયસર થઈ રહ્યા છે.” એમ જણાવ્યું હતુ . સરકાર વિકાસના મંત્રને સાર્થક કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિકાસ કામો થઈ રહ્યા છે જે સૌ માટે મહત્વપૂર્ણ છે. જળસંચયની કામગીરી આવનારી પેઢી માટે મહત્વપૂર્ણ બનશે અને સરકારના વિકાસમાં આપણા સૌનું કામ રામની ખિસકોલી જેવું છે એમ તેમણે આ તકે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,” ભારત સરકાર દ્વારા દેશમાં જિલ્લા સ્તરોએ કેન્સર સેન્ટરો શરૂ કરાશે . KCC અંતર્ગત ખેડૂતો માટે ધિરાણની સહાય રૂપિયા ત્રણ લાખથી વધારીને રૂપિયા પાંચ લાખ બજેટમાં કરવામાં આવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું .તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌએ જન ઔષધી કેન્દ્રોમાંથી દવાઓ લેવી જોઈએ .જેનરીક દવાઓ લઈને ગુણવત્તા યુક્ત દવા અને સસ્તી દવાઓનો લાભ લેવો જોઈએ. આવનારા સમયમાં શિક્ષણ એ જ ધન અને તાકાત ગણાશે આથી દરેકે શિક્ષિત બનવું જોઈએ. શિક્ષણ સમાજમાં બદલાવનું મહત્વનું પરિબળ છે.
ઊંઝા ના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સાર્વત્રિક વિકાસ થઈ રહ્યો છે, તેમજ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત આ પ્રથમ ગ્રામ પંચાયત છે જેનું લોકાર્પણ સર્વપ્રથમ કરવામાં આવ્યું છે.
પૂર્વ સરપંચ અને ગામના અગ્રણી ગોપાલભાઈ પટેલનું મંત્રીના વરદ હસ્તે પ્રમાણપત્ર આપીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. તેમજ મહિલાદિનના ઉપલક્ષમાં ત્રણ સખી મંડળોને પ્રત્યેકને ₹3 લાખનો ચેક આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
તાલુકા વિકાસ અધિકારી શ્રી કેતનભાઇ પ્રજાપતિએ તાલુકામાં થયેલા વિવિધ વિકાસ કામોની રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય, સંસદ સભ્ય ,એટીવીટી, વિવેકાધીન, નાણાપંચ, ગ્રામ્ય કક્ષા અને તાલુકા કક્ષા તેમજ રાષ્ટ્રીય ઉજવણી ગ્રાન્ટ સહિત કુલ રૂપિયા 97.43 લાખના વિવિધ વિકાસ કામો ત્રાંસવાડ ગામમાં કરવામાં આવ્યા છે.
જે આજે મંત્રી દ્વારા પ્રજાને સમર્પિત કરવામાં આવે છે. આ પ્રસંગે ગામના અગ્રણી ડોક્ટર ઈશ્વરભાઈ પટેલે પણ પ્રાસંગિક પ્રવચન કરીને ગામ અંગે તેમજ વિકાસ કામો અંગે માહિતી પૂરી પાડી હતી. સ્થાનિકો દ્વારા મહાનુભાવોનો સ્નેહ તથા ભાવભર્યા આવકાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ ,જિલ્લા પંચાયત જિલ્લા મહિલા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સજ્જનબેન ઠાકોર, તાલુકા પંચાયત સદસ્ય ભારતીબેન નાઈ તેમજ નાયબ કલેકટર અને ઇન્ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હર્ષનિધીબેન શાહ, તાલુકા વિકાસ અધિકારી કેતનભાઇ પ્રજાપતિ, મામલતદાર રાઠોડ ,તાલુકા આરોગ્ય અધિકારી ચંદ્રકાંતભાઈ કડિયા તેમજ ગ્રામ અગ્રણીઓ વિષ્ણુભાઈ પટેલ વહીવટદાર પંકજભાઈ રાવલ, તલાટી ચૌધરી, કાંતિભાઈ, ગોપાલભાઈ પટેલ સહિતના અગ્રણી સર્વ જનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.