BODELICHHOTA UDAIPURGUJARAT

હજારો લીટર પાણી વેડફાયું, નંદપુર–કાશીપુરાના ખેડૂતો રવિ પાક બચાવવા ચિંતામાં

સંખેડા તાલુકાના નંદપુર અને કાશીપુરા વિસ્તારની માઇનોર કેનલમાં દર વર્ષે દિવાળી દરમિયાન ખેતી માટે પાણી નર્મદા નિગમ દ્વારા છોડવામાં આવે છે. આ વર્ષે પણ નિગમ દ્વારા કેનલમાં પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ કેનલમાં માટીના થર અને ગંદકી જમાઈ જવાને કારણે પાણી ખેડૂતો સુધી પહોંચી શકતું નથી. પરિણામે હજારો લીટર પાણી બીજી સાઇડ કોતરમાં વહી જઈ રહ્યું છે.

કેનલમાં યોગ્ય સાફસફાઈ ન થતાં ખેતી માટે નિર્ભર ખેડૂતોને પાણી ન મળતાં વલખા મારવાની સ્થિતિ સર્જાઈ છે. હાલ રવિ પાકનો સમય ચાલી રહ્યો છે અને વિસ્તારના મોટા ભાગના ખેડૂતો ખેતી માટે કેનલના પાણી પર આધાર રાખે છે. પૂરતું પાણી ન મળવાથી રવિ પાક નિષ્ફળ જાય તેવો ગંભીર ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ખેડૂતોનું કહેવું છે કે આ સમસ્યા બાબતે નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ નિરાકરણ આવ્યું નથી. સમયસર સાફસફાઈ ન થાય તો ખેતીને ભારે નુકસાન થવાની શક્યતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

આ બાબતે નિગમના અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેનલની સાફસફાઈ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આગામી થોડા દિવસોમાં કોન્ટ્રાક્ટર દ્વારા સાફસફાઈનું કામ શરૂ કરવામાં આવશે, જેથી ખેડૂતોને પાક લેતા કોઈ તકલીફ ન પડે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!