લગ્નની સાઇટ પર મુલાકાત બાદ યુવાન સાથે 36 લાખની ઠગાઇ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના મિકેનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં એક યુવાને તેના લગ્ન કરવાના હોઇ તેણે ગુજરાતી સંગમ નામની મેટ્રીમોનિયલ એપ્લિકેશનમાં નોંધણી કરાવી હતી. દરમિયાનમાં આરોશી અગ્રવાલ નામની એક મહિલા સાથે તેમની એપ્લિકેશન પર મેંગ જણાતાં તેમણે એપ્લિકેશનની ચેટીંગ પર હાયનો મેસેજ મોકલતા આરોશીએ ચેટીંગમાં તેનો વિદેશીનંબર મોકલ્યો હતો.જેના પર તેઓ ઓનલાઇન વાતચિત કરવા લાગ્યાં હતાં. તેઓ પહેલાં સામાન્ય રીતે લગ્ન માટેની વાતચિત કરતાં હતાં.
દરમિયાનમાં આરોશીએ તેમની કમાણી અંગેની વાતચીત કર્યાં બાદ કોસ્ટકોપ.સ્ટોર નામની ઇ-કોમર્સ વેબસાઇટ પર ઓનલાઇન ખરીદ-વેચાણ કરી સારૂ કમિશન કમાવા જણાવતા તેના કહ્યાં મુજબ ઓનલાઇન ખરીદ- વેચાણ શરૂ કર્યું હતું. જેમાં તેમણે તબક્કાવાર અંદાજે 50 હજાર જેટલું કમિશન મળતાં ખરીદ- વેચાણમાં ઓર્ડરની પ્રક્રિયા પુરી કરવાના બહાને, પેનલ્ટીના લાગી હોવાનું જણાવવા સહિત અલગ અલગ રીતે વાતોમાં ભોળવી તેમની પાસેથી કુલ 37.09 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. જોકે, 50 હજાર જેટલું કમિશન મળ્યું હોઇ બાકીના કુલ 36.59 લાખની તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાતાં ફરિયાદ નોંધાવી હતી.


