થરાદ નજીક ભારતમાલા રોડ પર ચરસ સાથે ત્રણ શખ્સ ઝડપાયા, રૂ.10.18 લાખનો મુદ્દામાલ જપ્ત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા રોડ ઉપર વાંતડાઉ વાહન ચેકિંગ પોસ્ટ પાસે ખોડા ઓ.પી. વિસ્તારમાં પોલીસે માદક પદાર્થ સામે કડક કાર્યવાહી કરી છે. તા.27/12/2025 ના રાત્રે 23:30 કલાકથી તા.28/12/2025 ના વહેલી સવારે 04:30 કલાક દરમિયાન ચાલેલી તપાસ દરમિયાન પોલીસે ત્રણ શખ્સોને ચરસ (કેનાબિસ) સાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઝડપેલા આરોપીઓમાં (1) અબ્દુલ હમીદ કાસમ જાતે ચાવડા (ઉ.વ.31), (2) સમીરભાઇ અબ્દુલગની જાતે કુરેશી (ઉ.વ.25) અને (3) સબીરહુસેન અલીમહમદ જાતે સોઢા (ઉ.વ.35), રહેવાસી અમનનગર અને રહિમનગર, ખારીનદી રોડ, ભુજ, જી. કચ્છનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસ દરમ્યાન કાળા રંગની ટ્રાઇબર કાર નં. GJ-12-FE-1093 ની વચ્ચેની સીટમાં બેઠેલા સબીરહુસેન અલીમહમદના પેન્ટના ખિસ્સામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ ચરસ (કેનાબિસ) મળી આવ્યું હતું. ચરસનું કુલ ચોખ્ખું વજન 14 ગ્રામ હોવાનું જાણવા મળ્યું, જેની કિંમત રૂ.3,500/- આંકવામાં આવી છે.
આ ઉપરાંત ત્રણ મોબાઇલ ફોન (કિં. રૂ.15,000/-) તથા ટ્રાઇબર કાર (કિં. રૂ.10,00,000/-) સહિત કુલ રૂ.10,18,500/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ અજમેર સ્થિત ખવાજા ગરીબ નવાઝ દરગાહ નજીકથી ચરસ મેળવ્યો હોવાનું જણાવ્યું છે તથા ત્રણેય આરોપીઓ ચરસનું સેવન કરવા માટે લઈ જઈ રહ્યા હતા. આ મામલે ત્રણેય આરોપીઓએ પરસ્પર મદદગારી કરી ગુનો કર્યો હોવાનું પોલીસનો આક્ષેપ છે.
આ સમગ્ર કાર્યવાહી વી.એસ. દેસાઈ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તથા પો.સ્ટે. ઓફિસર એ.એસ.આઇ. હરીસિંહ વિહાજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુછે.




